વોશિંગ્ટન, તા.૨

જાર્જ ફ્લોયડની પોલીસ અટકાયતમાં મોત બાદ અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિવિધ શહેરોમાં લૂટફાંટ, તોફાન અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસની બહાર પણ વિરોધ પ્રદર્શન થયા હતા. સ્થિતિ વધારે ખરાબ થતા અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની આર્મીને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. 

રાષ્ટપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે, જાર્જ ફ્લોયડની હત્યાથી તમામ લોકો દુઃખી છે અને તેમના મનમાં એક આક્રોશ છે. જાર્જ અને તેમના પરિવારને ન્યાય અપાવશે. મારી સરકાર તરફથી તેમને પૂરો ન્યાય મળશે. દેશના રાષ્ટપતિ તરીકે મારી પહેલી પ્રાથમિકતા આ મહાન દેશ અને નાગરિકોની હિતોની રક્ષા કરવી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, મારા આ દેશના કાયદાને સૌથી ઉપર રાખવાની શપથ લીધા હતા અને હવે હું એ જ કરીશ. રવિવારે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં જે કંઈ થયું તે ખોટી વસ્તુ છે. હું હજારોની સંખ્યામાં હથિયારોથી સજ્જ જવાનોને તહેનાત કરી રહ્યો છું. તેમનું કામ તોફાન, આગચંપી, લૂટ અને નિર્દોષ લોકો પર હુમલાની ઘટનાઓ પર રોક લગાવવાનું હશે. ટ્રમ્પે રાજ્યોને અપીલ કરી છે કે તેઓ તેમના નાગરિકોની રક્ષા કરે. તેમણે જણાવ્યું કે, જા કોઈ રાજ્ય કે શહેર પોતાના નાગરિકો અને તેમની સંપત્તિની રક્ષા કરવાથી ઈનકાર કરે છે તો હું અમેરિકાની આર્મીને ત્યાં તહેનાત કરીને તેમનું કામ સરળ બનાવી દઈશ. હિંસાનો સૌથી વધારે શિકાર નિર્દોષ અને શાંતિપ્રિય લોકો બન્યા છે.