દિલ્હી-

વ્હોટ્સએપ મેસેજિંગ એપનો વિવાદ વધી ગયા પછી પ્રાઇવસી અપડેટ હાલ માટે ટાળી દીધું છે. હવે 8 ફેબ્રુઆરીએ કોઈનું પણ વ્હોટ્સએપ અકાઉન્ટ બંધ નહિ થાય. કંપની ધીરે-ધીરે 15 મે સુધી પોલિસી લાગુ કરશે. કંપનીનું માનવું છે કે પોલિસીનો સમય લંબાતાં યુઝર્સને સમજવાનો વધારે ટાઈમ મળશે. વ્હોટ્સએપની પેરન્ટ કંપની ફેસબુકે જણાવ્યું હતું કે એપના નવા અપડેટ વિશે ઘણી અફવાઓ ફેલાઈ હોવાથી હાલ નવાં અપડેટ રોક્યાં છે.

બ્લોગ દ્વારા પોલિસી લંબાવાની જાહેરાત કરી 

કંપનીએ બ્લોગમાં લખ્યું, ‘અમે હવે એ તારીખને મુલતવી રાખી રહ્યા છીએ, જે તારીખે લોકોને એ શરતો તપાસવા અને સ્વીકારવા માટે કહેવામાં આવ્યું હતું. 8 ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ અકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલિટ થશે નહિ. વ્હોટ્સએપ પર પ્રાઇવસી અને સુરક્ષા કેવી રીતે કામ કરે છે એને લગતી અફવાઓને દૂર કરવા માટે અમે પણ ઘણુંબધું કરવા જઈ રહ્યા છીએ. પછી અમે ધીરે ધીરે લોકો પાસે જઈશું અને 15 મેના રોજ બિઝનેસના નવા વિકલ્પો ઉપલબ્ધ બને એ પહેલાં તેમને પોતાના અનુકૂળ સમયે પોલિસીને રિવ્યૂ કરવા જણાવીશું.’

ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, પ્રાઈવસી અપડેટની જાહેરાત પછી ઘણા યુઝર્સ અને ઘણી મીડિયા કંપનીઓએ એને લોકોની ખોટી જાણકારી સાથે જોડી હતી. તેમનું કહેવું હતું કે નવી પોલિસી પછી વ્હોટ્સએપ લોકોનાં ચેટ અને અન્ય પર્સનલ ડેટા વાંચી શકશે. 

સિગ્નલ એપના વધારે ઉપયોગની કંપની પર અસર થઈ 

વ્હોટ્સએપની નવી પોલિસીની જાહેરાત પછી સિગ્નલ અને ટેલિગ્રામ જેવી અન્ય મેસેજિંગ એપ પર યુઝર્સ શિફ્ટ થઈ રહી છે. ભારતમાં આ અઠવાડિયે સિગ્નલ નંબર 1 એપ બની ગઈ. યુઝર્સની ચિંતા વચ્ચે તેમને વિશ્વાસ આપવા વ્હોટ્સએપે કહ્યું છે કે ‘નવાં અપડેટ પછી લોકો પાસે ઘણાબધા ઓપ્શન હશે. તમારે માત્ર એક બિઝનેસને મેસેજ કરવાનો રહેશે અને તમને ખૂબ જ પારદર્શક રીતે સમજાવવામાં આવશે કે વ્હોટ્સએપ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે.

હાલ બહુ ઓછા લોકો વ્હોટ્સએપ દ્વારા ખરીદી કરે છે, પણ ભવિષ્યમાં આ લોકોનો આંકડો વધવાનો છે અને સારું છે કે લોકો અત્યારથી એ વસ્તુઓ માટે જાગ્રત છે. આ અપડેટ કોઈપણ પ્રકારે અમને તમારો ડેટા ફેસબુક સાથે શેર કરવાની પરવાનગી આપતી નથી.’