મંદી હતી ત્યારે રત્નકલાકારોનાં પગાર ઘટાડ્યાં હતાં હવે તેજી છે તો વધારી આપો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   2079

હીરા ઉદ્યોગકારોને આંચકો આપે તેવી રજૂઆત રત્નકલાકારો વતી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરી છે. ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના પ્રમુખ રમણ જીલરીયાએ કલેક્ટર કચેરીમાં આપેલા આવેદનપત્ર અંગે જણાવ્યું હતું કે જ્યારે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો ત્યારે રત્નકલાકારોનાં ભાડા, મહેનતાણા ઘટાડી દેવામાં આવ્યાં હતાં. રત્નકલાકારોનાં પરિવારો આર્થિંક ભીંસમાં મૂકાયા હતા. હવે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે અને સામા તહેવારો આવી રહ્યાં છે ત્યારે હીરા ઉધોગપતિઓએ અગાઉ ઘટાડેલા પગાર મહેનતાણા વધારી આપવા જાેઇએ.

ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતે વધુમાં જણાવ્યું હતું કે ઘણા સમયથી રત્નકલાકારો ઓછા પગારમાં કામ કરી રહ્યા છે, તેમના માટે ઘર-ગુજરાન ચલાવવું, બાળકોની શિક્ષણ ફી, પર્સનલ લોન હપ્તા ભરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી હીરાઉધોગનાં રત્નકલાકારોને પગાર ભથ્થામાં વધારાની માગ કરવામાં આવી છે. ભાવનગર, તળાજામાં ભાવ વધારા માટે રત્નકલાકારો હડતાળ પાડી ચૂક્યા છે. તા.૧૭મી ઓગસ્ટે મહુવાનાં રત્નકલાકારોએ પગાર વધારાની માગ કરી છે અને ચીમકી આપી છે કે જાે માગણી નહી સંતોષાય તો મહુવામાં પણ રત્નકલાકારો હડતાળ પાડશે. સુરતમાં હાલ રત્નકલાકારોમાં પગાર વધારો નહીં કરાય તો હડતાળ પાડવી કે નહીં અને પાડવી હોય તો ક્યારે એ અંગે ચર્ચા વિચારણાઓ શરૂ થઇ ચૂકી છે.

આથી ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતે સુરત જિલ્લા કલેક્ટર મારફતે રાજયનાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પહોંચાડવા માટે સુપરત કર્યું છે. હીરાઉધોગમાં મજુર કાયદાનો અસરકારક અને ચુસ્તપણે અમલ કરવા તથા રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા, રત્નકલાકારો ના બાળકો ની શિક્ષણ ફી ભરવા તથા રત્નકલાકારોને વગર વ્યાજની લોન આપવા સહિતની માગણી કરવામાં આવી છે.

વધુમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે એવી ચીમકી પણ આપી છે કે જાે રત્નકલાકારોની માગણીઓ ઉપર ધ્યાન નહીં આપવામાં આવે તો હીરાઉધોગના રત્નકલાકારો શાંતિપૂર્ણ રીતે, ગાંધી ચિંધ્યા માર્ગે, લોકશાહી ઢબે, અહિંસક આંદોલન તરફ આગળ વધશે અને જરૂર પડશે તો ગમે ત્યારે હડતાળ પણ પડશે.

હીરાઉધોગનાં રત્નકલાકારોની માગણીઓ

(૧) હીરાની મજૂરીમાં વધારો કરો અને રત્નકલાકારોનાં પગાર વધારો

(૨) રત્નકલાકારો ને મજુર કાયદા મુજબનાં તમામ લાભો આપો

(૩) રત્નકલાકારોનાં બાળકોની શિક્ષણ ફી ભરો અથવા માફ કરો

(૪) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો

(૬) રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો

(૭) આર્થિક સંકટ ફસાયેલા રત્નકલાકારોને વગર વ્યાજની લોન આપો

(૮) રત્નકલાકારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપો

(૯) દરેક રત્નકલાકારને નિમણુંક પત્ર આપો

(૧૦) રત્નકલાકારોનાં આરોગ્ય ની ચકાસણી કરાવો

(૧૧) આપઘાત કરી જીવન ટૂંકાવી લેનાર રત્નકલાકારોનાં પરિવારને મદદ કરો

(૧૨) વ્યવસાય વેરો નાબૂદ કરો

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution