લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026 |
2376
રેગ્યુલર મ્યુનિસિપલ કમિશનરની વિના ધણીધોરી વિનાનું બની ગયેલાં સુરત શહેરમાં કચરાનાં ઢગલાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી પણ સાવ ખાડે ગઇ હોય તેવાં દ્રશ્યો સ્વચ્છતામાં નંબર વન મેળવનાર સુરત શહેર આ વખતે દેશમાં ફરી મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે કે કેમ તે અંગે શહેરીજનો તેમજ મહાનગર પાલિકાનાં અધિકારીઓને જ શંકા છે. શહેરમાંથી કચરો ઉઠાવવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં સ્હેજપણ ધ્યાન આપવામાં નહીં આવતાં શહેરમાં ઠેર ઠેર કચરાનાં મોટા મોટા ઢગલાં નજરે પડે છે. સેન્ટ્રલ ઝોનની સ્થિતિ ખરાબ હોવાથી શુક્રવારે ભાજપનાં કોર્પોરેટરોએ પણ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીએ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી. વરાછામાં અર્ચના સ્કુલ પાસે અને પુણા ગામ ઘાંચી સમાજની વાડી પાસે કચરાનો એટલો મોટો ઢગલો થઇ ગયો હતો કે અડધો રસ્તો જ કચરાને કારણે દબાઇ ગયો હતો જેથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી હતી.