03, ઓક્ટોબર 2024
ડૉ. કૌશિક ચૌધરી |
2475 |
તો ગયા લેખમાં આપણે યોગ દર્શનમાં સમજાવાયેલી પાંચ વૃત્તિઓને જાણી. પાંચેય વૃત્તિઓ વૈરાગ્ય અને આત્મજ્ઞાન મેળવવા તરફ પ્રેરે ત્યારે તેમને અક્લિષ્ટ કહે છે. અને જ્યારે તે વૃત્તિઓ બંધનમાં બાંધી પીડા અને દુઃખનું કારણ બને ત્યારે તે ક્લિષ્ટ તરીકે વર્તે છે. જ્યારે વૃત્તિઓ ક્લિષ્ટ તરીકે વર્તે ત્યારે ઉત્પન્ન થાય છે પાંચ ક્લેશ. અવિદ્યા, અસ્મિતા અર્થાત્ અહંકાર, રાગ, દ્વેષ અને અભીનિવેશ - એ પાંચ ક્લેશ છે.
પાંચ ક્લેશઃ
• અવિદ્યા અર્થાત્ પુરુષના પ્રકૃતિ સાથેના સંસર્ગથી મહત તત્વની ઉત્પત્તિ સાથે જે આ બંધનયુક્ત સંસારનું બીજ રોપાયું તે અવિદ્યા છે. જે અનિત્ય છે તેને નિત્ય જાણવું, જે અશુચિ છે તેને શુચિ જાણવું, દુઃખને સુખ જાણવું અને જડ વસ્તુને આત્મા તરીકે જાણવું એ અવિદ્યા છે.
• જે દ્રષ્ટા છે તેનું આત્માનું દર્શનશક્તિ એટલે કે મન અને બુધ્ધિ સાથે તાદાત્મ્ય થઈ જવું એ અસ્મિતા છે. અર્થાત્ અહંકાર છે.
• સુખ પ્રત્યે મનનું ખેંચાણ એ રાગ છે. દુઃખ પ્રત્યે મનનો અણગમો એ દ્વેષ છે. જેનાથી રાગ થઈ જાય તેના દુર્ગુણ દેખાતા બંધ થઈ જાય છે. જેનાથી દ્વેષ હોય તેના સદગુણ દેખાતા બંધ થઈ જાય છે.
• મનુષ્ય અને વિદ્વાનોના સ્વભાવમાં દ્રઢ થઈને રહેલી જીવવાની જે સ્વાભાવિક આસક્તિ છે, તે અભિનિવેશ છે. અભિનિવેશના કારણે જીવમાં એક પ્રકારનો અકારણ ભય બનેલો રહે છે.
આ પાંચ કલેશ પુરુષને સતત પતિત કરતા જાય છે, તેની ચેતનાનો પ્રકાશ ઢાંકતા જાય છે. આથી ક્લેશને નષ્ટ કરવા વૃત્તિઓના નિરોધના બે ઉપાય આપવામાં આવ્યા છે. તે છે, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ ચિત્તનું શુધ્ધિકરણ કરી સ્થાપિત વૃત્તિઓના નાશ માટે છે. જ્યારે વૈરાગ્ય વિષયોથી દૂર થઈ જઇ નવી વૃત્તિઓ ઉત્પન્ન થતી અટકાવવા માટે છે. ફરી એજ જૈન માર્ગના સંવર અને ર્નિજળાનું લક્ષ્ય પણ વધુ બૌદ્ધિક અને વ્યવહારિક રીતે.
• અભ્યાસ - વૃત્તિઓને ચિત્તમાં સંપૂર્ણ સ્થિર રાખવાનો નિરંતર પ્રયાસ કરવાનું નામ અભ્યાસ છે. અભ્યાસ દ્રઢ હોવો જરૂરી છે. અભ્યાસથી ઉબવું નહીં, એમાં સમય સીમા બાંધવી નહીં, એમાં તુચ્છ બુદ્ધિ કરવી નહીં કે 'આમાં શું છે?’, 'કંઈ થતું નથી’ વગેરે. એ વિશ્વાસ રાખવો કે આદર અને શ્રદ્ધાપૂર્વક લાંબા સમય સુધી પ્રયત્ન કરતા રહેવાથી તે પરિણામ આપશે જ. કરેલો અભ્યાસ ક્યારેય નિરર્થક જતો નથી.
• વૈરાગ્ય – જાેયેલા અને સાંભળેલા તમામ વિષયો માટેની તૃષ્ણા નીકળી જવી એ વૈરાગ્ય છે. સત્ય શોધવાની ઈચ્છા અને વિષયોમાં પૂર્ણત્વનો અનુભવ ન થવાથી આત્માના તે પૂર્ણત્વની પ્રાપ્તિ માટે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તેને 'અપર વૈરાગ્ય’ કહે છે. અપર વૈરાગ્યની અવસ્થાથી સાધક જ્યારે દ્રઢ અભ્યાસ કરે છે ત્યારે તેનાથી ઉપરની 'પર વૈરાગ્ય’ સ્થિતિ ઉત્પન્ન થાય છે. જ્યારે આત્માના સાચા સ્વરૂપનું એટલે કે પુરૂષનું જ્ઞાન થવાથી ત્રીગુણી પ્રકૃતિ પ્રત્યે જે વિતૃષ્ણા આવે છે, તેને પર વૈરાગ્ય કહે છે.
• સમાધિ - સમાધિ બે પ્રકારની છે. તર્કશક્તિ અને વિચાર એટલે કે વિવેકબુદ્ધિ દ્વારા આનંદ અને અસ્મિતા(અહંકાર) સાથે પ્રાપ્ત કરાયેલ સમાધાનને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. અર્થાત્ યથાર્થ જ્ઞાનવાળી સમાધિ. તેને સવિતર્ક અને સવિચાર સમાધિ પણ કહે છે. કારણકે તે તર્ક સાથે વિચારપૂર્વક પ્રાપ્ત કરાઈ છે. સમાધિના અભ્યાસ માટે ત્રણ પદાર્થો બતાવાયા છે; ગ્રાહ્ય, ગ્રહણ અને ગ્રાહક. ગ્રાહ્ય એટલે કે દ્રશ્ય પદાર્થો, ગ્રહણ એટલે ચિત્ત અને બુધ્ધિ દ્વારા તેમને ગ્રહણ કરવાની પ્રક્રિયા. અને ગ્રાહક એટલે આત્મા, અર્થાત્ પુરુષ. સંપ્રજ્ઞાત, સવિચાર કે સવિતર્ક સમાધિમાં ગ્રાહ્ય પદાર્થોનું ધ્યાન કરવામાં આવે છે. તર્કશક્તિ દ્વારા તે સમાધિમાં શબ્દ, તેના અર્થ અને તે અર્થનું જ્ઞાન - એ ત્રણેય એક સ્થિર વિચાર અવસ્થામાં મિશ્રિત થઈ ચૂક્યા હોય છે. એટલે કે સાધકે દરેક પદાર્થનું વિચારપૂર્વક સત્ય સમજીને પોતાની શાંતિ મેળવી લીધી હોય છે. આ સ્થિતિએ રહેલા સાધક વિદેહી અવસ્થા ધરાવે છે, જ્યાં તેમની વૃત્તિઓ શાંત હોય છે, ક્લેશ નાશ પામી ચૂક્યા હોય છે, પણ સાત્વિક અસ્મિતારૂપે સૂક્ષ્મ અહંકાર કે ઓળખ ઉપસ્થિત હોય છે. આ સ્થિતિએ વિચારરૂપી બીજ ઉપસ્થિત હોવાથી તેને સબીજ સમાધિ પણ કહે છે. આ સ્થિતિએ સાધક અપર વૈરાગ્યની અવસ્થા પર સ્થિર થાય છે.
જે સાધકો આ સ્થિતિએ અટક્યા વિના સાધનામાં આગળ વધે છે, તે આગળ ઉચ્ચ સમાધિને પ્રાપ્ત કરે છે, જેને નિર્વિતક સમાધિ કહે છે. આ સમાધિ સઘળી માનસિક ક્રિયાના વિરામના નિરંતર પ્રયાસથી પ્રાપ્ત થાય છે. તેમાં સ્મૃતિ શુદ્ધ અવસ્થા એટલે કે ભૂતકાળની સ્મૃતિઓમાં જીવવાથી મુક્ત બનેલી અવસ્થા પ્રાપ્ત થાય છે. આ સમાધિ ત્રણ ગુણોથી રહિત બને છે, અને ધ્યેય વસ્તુ એટલે કે આત્મજ્ઞાનના અર્થને પ્રકાશિત કરે છે. એક રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જીવ એ જ્ઞાનનો સ્ત્રોત એવા સ્વયં આત્મા રૂપે પોતાને અનુભવ કરે છે. આ સમાધિમાં તર્ક અને વિચારની અનુપ્લબ્ધી હોવાથી, તેને નિર્વિચાર કે નિર્વિતક સમાધિ કહે છે. એમાં વિચાર રૂપી બીજ પણ અનુપસ્થિત હોવાથી તેને બીજરહિત સમાધિ કહે છે.
નિર્વિચાર સમાધિમાં ચિત્ત સ્મૃતિ શુદ્ધ બનતાં સ્થિર બને છે, અને તેના અંદર રહેલી પુરુષ ચેતનાની પ્રજ્ઞા એટલે કે સત્યપૂર્ણ જ્ઞાન અનુભવમાં આવી જાય છે. આવી સમાધિથી આત્મજ્ઞાનનો જે સંસ્કાર ઉત્પન્ન થાય છે, તે ચિત્તના બીજા બધા સંસ્કારોને રોકી દે છે. આ સમાધિની સ્થિતિએ ચિત્તમાં ક્લેશ, વિચાર, તર્ક, અને વૃત્તિઓનો નિરોધ થઈ ચૂક્યો હોય છે. બસ એક સૂક્ષ્મ અસ્મિતાનો ભાવ ઉપસ્થિત હોય છે, જે આત્મજ્ઞાનના એટલે કે પુરુષને જાણી લીધો હોવાના ભાવ સાથે સ્થિર હોય છે. અંતે, જ્યારે એ છેલ્લો અસ્મિતાનો ભાવ અને આત્મજ્ઞાનનો સંસ્કાર પણ લોપ પામે છે, ત્યારે તે અંતિમ સર્વોચ્ચ સમાધિ પ્રાપ્ત થાય છે, જેને કૈવલ્ય સ્થિતિ પણ કહે છે. આ સ્થિતિ જ મોક્ષ છે, અને એજ યોગનું લક્ષ્ય છે.