જંતર મંતર ખાતે યુવતીના મૃત્યુ સંબંધે બોગસ પોસ્ટ મૂકનારા યુવકની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026  |   2277

“દિલ્હી જંતર મંતર ખાતે એક છોકરીની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી” એવા લખાણ અને ફોટો સાથેની ફેસબુક પર ખોટી પોસ્ટ મૂકી દિલ્હીમાં ચાલતા વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટ અંગે લોકોમાં નાહકનો ઉશ્કેરાટ અને અશાંતિ ફેલાય એવુ કૃત્ય કરનાર ફેશન વીડિયો ક્રિએટરની પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવેલા ધરણાં પ્રદર્શન અંગે ભ્રામક પોસ્ટ મૂકી, વીડિયો અપલોડ કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. સોશિયલ મીડિયા મોનીટરીંગ દરમિયાન પોલીસને ફેસબુક પર એક પોસ્ટ જાેવા મળી હતી. ધરણા પ્રદર્શન દરમિયાન એક યુવતીનું મોત થયું એવા મતલબની આ પોસ્ટમાં તેણીનો ફોટો મૂકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દિલ્હીમાં કોઈ યુવતી મૃત્યુ પામી ન હોવા છતાં આ ધરણાં પ્રદર્શનને સમર્થન કરી રહેલા યુવાઓમાં ગેરસમજ ફેલાય, તેઓ ઉશ્કેરાય એ રીતની આ પોસ્ટને પોલીસે ગંભીરતાંથી લીધી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તાત્કાલિક એ ફેસબુક એકાઉન્ટની તપાસ શરૂ કરાઇ હતી. ટેકનિકલ સર્વેલન્સથી ચોક્કસ બાતમી મળી હતી કે, સંબંધિત ફેસબુક એકાઉન્ટ વરાછા ખાતેથી ઓપરેટ થઈ રહ્યું છે. જેના આધારે તારીખ ૨૫ જુલાઈ,૨૦૨૬ના રોજ ક્રાઈમ બ્રાન્ચની ખાસ ટીમે દરોડો પાડી ફેસબુક આઇડી ઓપરેટ કરતા આદિત્ય નરેશભાઈ બારૈયાને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો.

લંબેહનુમાન રોડ ઉપર વિધાતા એપાર્ટમેન્ટમાં રહેતો ૨૫ વર્ષીય આદિત્ય નરેશભાઈ બારૈયા મૂળ ભાવનગરના તળાજાના બેલા ગામનો વતની છે. ફેશન ડિઝાઇનીંગના વિડિયો ક્રિએટર એવા આદિત્ય બારૈયા સામે ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ ૧૯૨, ૩૩૬(૨), ૩૩૬(૪), ૩૫૩(૧) તથા આઈ.ટી. એક્ટ ૨૦૦૮ની કલમ ૬૬(ડી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઇમ પોલીસે નોંધેલા ગુનામાં બનાવટી રેકોર્ડ ઊભા કરવા, ચેટ કે વીડિયોમાં હેરાફેરી કરી લોકોને છેતરવા અને જાહેર શાંતિનો ભંગ કરવા માટે કડક સજાની જાેગવાઈ છે. પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ ફોન અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરીને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution