લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026 |
990
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી સરકારી શાળાના મધ્યાહન ભોજનની ઘોર બેદરકારી છતી કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા બોપરે બનાવેલા ભોજનમાં ગંભીર ગફલત સામે આવી છે. શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ અડદની દાળ બનાવવામાં આવી હતી. આ ભોજન આરોગ્યા બાદ એકાએક માસૂમ ભૂલકાઓની તબિયત લથડવા લાગી હતી, અને એક પછી એક બાળકોને ઊલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી.
ભોજન પીરસાઈ રહ્યા બાદ અડદની દાળના તપેલામાંથી ગરોળી જેવી મૃત જીવાત મળી આવતાં જ શાળાના શિક્ષકો અને બાળકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગરોળીવાળું ઝેરી ભોજન પેટમાં જતાં જ શાળાના ૩૯થી વધુ બાળકો ગંભીર રીતે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. અચાનક મોટી સંખ્યામાં બાળકોની સ્થિતિ કથળતાં શાળા પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને ગ્રામજનો તથા વાલીઓના ટોળાં શાળા ખાતે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક વાહનો મારફતે તમામ પ્રભાવિત બાળકોને સારવાર અર્થે ઈડરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ઇમરજન્સી ધોરણે તમામ માસૂમ બાળકોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કેનાલ અને ઝેરી ખોરાકના કારણે કેટલાક બાળકોની સ્થિતિ નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેને પગલે તબીબો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
એકસાથે ૩૯થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. માસૂમ ભૂલકાઓના જીવ સાથે રમત રમનારા મધ્યાહન ભોજન વિભાગ અને પુરવઠા વિભાગની કામગીરી સામે વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગુણવત્તા વગરનું અને અસ્વચ્છ ભોજન બનાવનારા જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, તેવી ગ્રામજનો અને વાલીઓ દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે.