મહેસાણામાં મચ્છરોના ભારે ઉપદ્રવ વચ્ચે મનપાના ૮માંથી ૭ ફોગિંગ મશીન ઠપ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026  |   1782

મહેસાણા શહેરમાં વરસાદ પડ્યા બાદ હાલમાં મચ્છર અને જીણી જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે અને મનપા દ્વારા ફોગિંગ કામગીરી થઈ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે કુલ ૮ ફોગિંગ મશીન પૈકી માત્ર એક જ કાર્યરત છે અને ૭ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.

મહેસાણા મહાપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસકામો અને બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતું નગરજનોના સ્વાસ્થ્ય સાથે જાેડાયેલી બાબતોમાં ચોક્કસ પગલાં લેવામાં મનપા તંત્ર ઊણું ઉતર્યું હોવાનું જાેવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે અને શહેરમાં મચ્છર અને જીણી જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. મનપા તંત્રની સેનિટેશન-હેલ્થ શાખા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે શહેરમાં ફોગિંગની કામગીરી તો શરૂ કરી છે પરંતુ મનપાએ વસાવેલાં બે મોટાં વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન પૈકી એક બંધ છે અને એક કાર્યરત છે. તો નાનાં હેન્ડ (પોર્ટેબલ) ફોગિંગ મશીન તો તમામ છ બંધ હાલતમાં હોવાથી તે કંપનીમાં સર્વિસ માટે મોકલવામાં આવ્યાં છે.જેના કારણે મનપા તંત્ર પાસે માત્ર એક જ વ્હિકલ માઉન્ટેડ ફોગિંગ મશીન ઉપલબ્ધ હોવાથી કર્મચારીઓ વિવિધ સોસાયટીઓમાં એની મદદથી ફોગિંગ કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેનાથી મર્યાદિત વિસ્તારમાં જ કામગીરી થઈ શકે છે. મનપાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બીજી વ્હિકલ માઉન્ટેડ ફોગિંગ મશીન કાર્યરત થઈ જશે અને સર્વિસમાં મોકલેલાં છ હેન્ડ ફોગિંગ મશીન પણ ચાલુ થઈને આવી જશે.

હાલમાં હેલ્થ વિભાગ પાસેથી પાંચ હેન્ડ ફોગિંગ મશીનની માગણી પણ કરાઈ છે. મનપા તંત્ર દ્વારા શહેરમાં દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરાઈ છે, પંરતું દવાનો જથ્થો પણ હાલમાં બફર સ્ટોક પૂરતો બાકી રહ્યો છે, જેનો ઉપયોગ મર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે અને નવો સ્ટોક આવે તેની રાહ જાેવાઈ રહી છે.ઉલ્લેખનિય છે કે, ફોગિંગ મશીનો ખાસ કરીને ચોમાસામાં ઉપયોગ કર્યા બાદ લાંબા સમય સુધી પડી રહેતાં હોવાથી તે બગડી જાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution