વડોદરા,તા.૩  

વડોદરા મહાનગર પાલિકામાં એક પછી એક આઉટ ગ્રોથના ગામોને ભેળવી દેવાની નીતિ સામે તાલુકાના ૮૪ જેટલા ગામોમાં ઉગ્ર રોષની લાગણી ફાટી નીકળી છે.તાજેતરમાં સાત ગામોને ભેળવી દેવા સામે ઉગ્ર દેખાવો યોજ્યા પછીથી નર્મદા મંત્રીની મધ્યસ્થીને લઈને આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું.પરંતુ તેઓ મુખ્યમંત્રીને ગ્રામજનોના વિરોધ બાબતે સમજાવવામાં નિષ્ફળ રહેતા પુનઃ ગ્રામજનોએ આંદોલનનું રણશિંગુ ફુક્યું છે.આ અંગેના આગામી આયોજનને માટે ભાયલીની પટેલ વાડી ખાતે યોજાયેલ વડોદરા તાલુકાના સરપંચોનાસંમેલનમાં ૮૪ પૈકી ૩૭ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.જયારે ૮ સરપંચોએ નાદુરસ્ત તબિયતને લઈને હાજરી આપી શક્ય નથી.જેમાં હાલની જે સ્થિતિ છે એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં યોગેશ પટેલને મળીને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવાનું કહેવાશે.જેથી ગ્રામજનોની વાસ્તવિક સ્થિતિ સમજાવી શકાય.આ બાબતે ટૂંકમાં જ આંદોલનની રણનીતિ ઘડી કઢાશે.ત્યારબાદ પાલિકામાં સમાવિષ્ઠ ગામોમાં ગ્રામજનો પુનઃ આંદોલન શરુ કરશે.આ આંદોલનમાં પાલિકામાં સમાવિષ્ઠ સાત ગામ પૈકી એકમાત્ર ભાયલીના સરપંચ સાથ આપી રહ્યા નથી.પરંતુ બાકીના છ ગામના સરપંચો સાથે તાલુકાના અન્ય તમામ ગામના સરપંચો જોડાશે એમ જય ભટ્ટે જણાવ્યું હતું.