લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026 |
1881
ઉધના વિસ્તારમાં મજૂરી કામ માટે આવેલા મહારાષ્ટ્રનાં શ્રમજીવી પરિવારની બે સગીર બહેનો સાથે પરિચિત કોન્ટ્રાક્ટરે દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદુરબારની આશ્રમ શાળામાં યોજાયેલા ગુડ ટચ-બેડ ટચ અંગેના જાગૃતિ કાર્યક્રમ દરમિયાન ૧૧ વર્ષની બાળકી દ્વારા પોતાની સાથે થયેલા શારીરિક શોષણ અંગે વાત કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીની ૧૪ વર્ષની મોટી બહેને પણ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની કબૂલાત કરતાં વાલીઓ અને શાળાના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબાર વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃતિ આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ૧૧ વર્ષની કિશોરીએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની વાત કરી હતી. બાળકીની વાત સાંભળીને શાળાના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેના વાલીઓને જાણ કરી હતી. વાલીઓએ પુત્રીની પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારી હકીકત જણાવી હતી. બાળકીની સાથે તેની ૧૪ વર્ષની મોટી બહેન સાથે પણ દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. બંને બહેનોની વાત સાંભળીને પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, શ્રમજીવી પરિવાર મે-૨૦૨૬ દરમિયાન સુરતના ઉધના વિસ્તારમાં મજૂરી કામ માટે આવ્યો હતો. તે સમયે તેમના પરિચિત અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પિર્યા જાલુ વળવી (ઉં.વ.૫૪)એ બંને સગીર બહેનો સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના કારણે બંને બહેનો અત્યાર સુધી ચૂપ રહી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
ઘટના અંગે બાળકીના વાલીએ તા.૨૫ ઓગસ્ટનાં રોજ નંદુરબાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નંદુરબાર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી માટે સુરતના ઉધના પોલીસ મથકમાં મોકલી આપી હતી. ઉધના પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપી પિર્યા જાલુ વળવીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.