મહુધામાં વેપારી પાસે ૨.૫૦ લાખની લાંચ માંગનાર વચેટિયો વકીલ એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026  |   1782

નડિયાદ નજીકના મહૂધા પોલીસ મથકમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને એક વકીલે વેપારી પાસેથી લાંચ માંગવાના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવી બંને સામે કાર્યવાહી કરી છે. ફરિયાદી અને તેમનો પુત્ર જુદી-જુદી કંપનીના ડીટરજન્ટ પાઉડર તથા અન્ય સામગ્રીનો વેપાર કરે છે. તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ આરોપી વકીલે ફરિયાદીના પુત્ર અને તેમના ભાગીદાર પર મહૂધાના સ્થાનિક વેપારીઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ માલ-સામાન ભરેલા ટેમ્પા સાથે બંનેને મહૂધા પોલીસ સ્ટેશન ખાતે બેસાડી રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ફરિયાદી પોતાના પુત્રને મળવા માટે મહૂધા પોલીસ સ્ટેશને ગયા હતા. તે સમયે સ્થળ પર હાજર એ.એસ.આઈ. અને વકીલે સાથે મળીને કાયદેસરની કાર્યવાહી ન કરવા તથા ગુનો દાખલ ન કરવાના બદલામાં શરૂઆતમાં ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બંને પક્ષો વચ્ચે થયેલી રકઝકના અંતે લાંચની રકમ ૨,૫૦,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરીને સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી.ની ટુકડીએ આજે લાંચનું છટકું ગોઠવી મહૂધા ચોકડી પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપની સામે શ્યામ આર્કેડની ઓફિસ નંબર ૨૪ માં ટ્રેપનું આયોજન કરાયું હતું. જ્યાં આરોપી વકીલે ફરિયાદી પાસેથી નક્કી થયેલી લાંચની રકમ ૨,૫૦,૦૦૦ રૂપિયા સ્વીકારતા જ એ.સી.બી.ની ટુકડીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ટ્રેપ દરમિયાન માંગવામાં આવેલી અને સ્વીકારાયેલી સમગ્ર રકમ પણ સ્થળ પરથી રિકવર કરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન આરોપી એ.એસ.આઈ. ઘટનાસ્થળે હાજર મળ્યા ન હતા. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution