વલસાડનાં નાનાપોંઢામાં રૂ. ૪૫.૪૯ લાખનાં ખર્ચે બનેલો નવો માર્ગ ધસી પડ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026  |   1980

વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં કરોડોના સરકારી ખર્ચે તૈયાર થતા વિકાસકામોની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. તાલુકાના મોટાપોંઢા હટીમાળ ફળિયાથી ઓઝર લુહાર ફળિયાને જોડતો રૂ. ૪૫.૪૯ લાખના ખર્ચે નવો બનેલો માર્ગ તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. માર્ગની બાજુમાંથી પસાર થતા નાળામાં પાણીના તીવ્ર પ્રવાહને કારણે ધોવાણ થતાં રસ્તાનો એક મોટો ભાગ ધસી પડ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં ભારે રોષ અને અસંતોષ વ્યાપ્યો છે.

આ માર્ગનું નિર્માણ કાર્ય ૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તેને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હતું. સુરતની જી.એમ. રાણપરિયા એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને સમગ્ર પ્રોજેક્ટનું સુપરવિઝન પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, વલસાડના કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ થયું હતું. પરંતુ ચોમાસાના પ્રથમ તબક્કામાં જ રસ્તાનું ધોવાણ થઈ જતાં કામગીરીની ગુણવત્તા અને સુપરવિઝન સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. મોટાપોંઢા હટીમાળ ફળિયા અને ઓઝર લુહાર ફળિયા વચ્ચેનો આ માર્ગ સ્થાનિકો માટે જીવાદોરી સમાન છે. આ માર્ગનો ઉપયોગ રોજિંદા કામ અર્થે જતા વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે જોખમી રીતે પસાર થવા મજબૂર છે અને ખેડૂતો અને મજૂરો પોતાના ખેતઉત્પાદનો અને રોજીરોટી માટે આ જ રસ્તા પર ર્નિભર છે, જ્યારે વાહનચાલકો ધસી પડેલા ભાગને કારણે અકસ્માતનો સતત ભયનાં માહોલમાં છે. હાલમાં ગ્રામજનોએ અત્યંત સાવચેતીપૂર્વક અને જીવના જોખમે આ ક્ષતિગ્રસ્ત માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, માર્ગ તૂટી જવાની અને નાળાના ધોવાણ અંગેની ગંભીર સ્થિતિની જાણ સંબંધિત માર્ગ અને મકાન વિભાગને ટેલિફોનિક માધ્યમથી અનેક વખત કરવામાં આવી છે. તેમ છતાં, અત્યાર સુધી તંત્રનો એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ માટે પહોંચ્યો નથી કે સમારકામની કોઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ ઘટના અંગે જાગૃત નાગરિકો અને આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો લતેશભાઈ અને વસંતભાઈએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે ચોમાસાની રુતુ હજુ ચાલુ હોય, જો તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ કે રક્ષણાત્મક કામગીરી કરવામાં નહીં આવે તો સમગ્ર રસ્તો નાળામાં લીન થઈ જશે અને આંતરિક વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જશે. સ્થાનિકોએ માંગણીઓ કરી છે કે સંબંધિત અધિકારીઓ તુરંત સ્થળ પર આવી પરિસ્થિતિની સમીક્ષા કરી ક્ષતિગ્રસ્ત ભાગનું તાત્કાલિક રીપેરીંગ કરી નાળાની બાજુમાં કાયમી રક્ષણાત્મક દીવાલ બનાવવામાં આવે અને નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરી ગ્રામજનો માટે ભયમુક્ત અને સુગમ વાહનવ્યવહાર પુન: શરૂ કરવામાં આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution