મોટાવરાછાની લા-પિનોઝ પીઝામાં ઇયળ નીકળી, રીલ વાયરલ થતા સંસ્થા બંધ કરાવી દંડ કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026  |   1584

વરાછાઝોનનાં ઇશ્વરકૃપા રોડ પર આવેલી શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ એક પરિવારને ફૂડ પોઇઝનની અસર અને માસૂમ બાળકીનાં મોતની ગંભીર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનાં આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરભરની હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. મનપા દ્વારા ક્યાંક દંડ, ક્યાંક નોટિસ, ક્યાંક ખાદ્યસામગ્રીનો નાશ અને જરૂર જણાય ત્યાં સંસ્થા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાે કે, જાણીતી બ્રાન્ડ સામે થયેલી કાર્યવાહીને જાહેર નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપોથી સમગ્ર ઝુંબેશની પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા છે.

મોટાવરાછા વિસ્તારમાં આવેલી લા-પિનોઝનાં પીઝામાંથી ઇયળ નીકળતી હોવાનો વીડિયો અને રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. શરૂઆતમાં સરથાણા ઝોનનાં આરોગ્યતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો થયા હતા. મામલો ઉચ્ચ અધિકારીઓનાં ધ્યાન પર આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. ત્યારબાદ સરથાણા ઝોનનાં નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અર્પિત દુધવાલાની આગેવાની હેઠળ લા-પિનોઝ પીઝામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાંધાજનક બાબતો મળી આવતા સંસ્થા બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ.૩૦ હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો હોવાની ચર્ચા છે. મનપા દ્વારા શહેરની અન્ય ખાણી-પીણીની સંસ્થાઓ સામેની કાર્યવાહી અંગે નિયમિત રીતે વિગતો જાહેર કરવામાં આવી રહી છે ત્યારે લા-પિનોઝ સામે થયેલી કાર્યવાહી અંગે સત્તાવાર માહિતી જાહેર નહીં થતાં સવાલો ઉઠ્યા છે. અગાઉ અડાજણનાં ડી-માર્ટમાં ફૂગવાળી બ્રેડનાં મામલે પણ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરની કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યાં હતાં.મનપા અધિકારીઓ મોટા બ્રાન્ડ સામેની કાર્યવાહી છુપાવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં મામલો વાયરલ થયા બાદ જ તંત્ર તપાસ માટે પહોંચ્યું હતું કે નહીં અને કાર્યવાહી જાહેર કેમ કરવામાં આવી નહીં તે અંગે પણ પારદર્શક ખુલાસાની માગ ઉઠી છે. આવી સ્થિતિમાં મનપાની સમગ્ર ફૂડ ચેકિંગ ઝુંબેશની નિષ્પક્ષતા સામે જ સવાલો ઊભા થયા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution