લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026 |
2673
લગ્નેતર સંબંધ રાખવા અંગે ટોકવામાં આવતાં બાળકીને લઇ પિયર જતી રહેલી પત્ની અને સાસુ સસરાનાં ત્રાસથી કંટાળી ડિંડોલીનાં યુવકે આપઘાત કરી લીધો હતો.ડિંડોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સણીયા કણદેની નીલકંઠ પાર્ક સોસાયટીમાં ગીતા વિશ્વાસ કોળી તેમની બહેન સાથે રહે છે. ગીતાબેનના દીકરા બલિરામના લગ્ન ૨૦૨૩માં કવિતા શિવરામ કોળી સાથે કરાવાયા હતાં. લગ્નનાં થોડા દિવસ બાદ કવિતાને નણંદનાં ઘરે રહેવાનું ફાવતું નથી, અલગ રૂમ રાખો એમ કહી લડાઇ ઝઘડો કરવા માંડ્યો હતો. કાપડની દુકાનમાં નોકરી કરતાં બલિરામે સગવડ થતાં રૂમ લઈશું એવું સજાવવા છતાં અલગ રહેવાની જીદ સાથે કવિતા જુન ૨૦૨૫માં પિયર જતી રહી હતી. બલિરામ પત્ની કવિતાને તેડવા સાસરે જતો પરંતુ તેણીનાં માતા-પિતા પણ અલગ રૂમ લેશો ત્યારે જ મોકલીશું એમ કહી તેને રવાના કરી દેતા હતાં. આ દરમિયાન કવિતાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. દીકરીનાં જન્મ બાદ પણ કવિતાએ અલગ રહેવાની જીદ પકડી રાખતાં બલિરામે નાછૂટકે શ્રીહરિ રેસિડેન્સીમાં ભાડેથી રૂમ રાખ્યો હતો. આ રૂમમાં તે પત્ની કવિતા અને માતા સાથે રહેવા માંડ્યો હતો.
થોડા સમયમાં જ કવિતાએ આ જ સોસાયટીમાં રહેતા યોગેશ નામના યુવક સાથે લગ્નેતર સંબંધ રાખ્યા હતાં. આ વાતની જાણ થતાં બલિરામ કવિતાને પૂછ્યું તો તેણીએ ઝઘડો કર્યો અને ફરી પિયર જતી રહી હતી. પત્ની સાથે માસૂમ બાળકી પણ હોવાથી બલિરામ તેણીને મનાવી પરત લઇ આવ્યો હતો. જો કે આટલી માથાકૂટ પછી પણ કવિતાએ યોગેશ સાથેની છાનગપતિયા ચાલુ રાખ્યા હતાં. આડા સંબંધ મુદ્દે બલિરામ કંઇપણ કહે એટલે કવિતા દીકરીને લઇ પિયર જતી રહેતી હતી. કવિતાનાં માતા-પિતા પણ તેણીનું ઉપરાણું લઇ તમે ખોટો શક-વહેમ રાખો છો એમ કહી બલિરામને ધમકાવતાં હતાં.
બીજી જુને યોગેશ સાથેનાં પ્રેમ સંબંધ મુદ્દે કવિતા ફરી પિયર ચાલી ગઈ હતી. બલિરામ તેડવા ગયો તે સાસુ સસરાએ તુ કવિતાને છૂટાછેડા આપી દે એમ કહી હાંકી કાઢ્યો હતો. પત્નીના લગ્નેતર સંબંધ અને તેણીનું ઉપરાણું લઇ ધમકાવતાં સાસુ સસરાથી કંટાળી બલિરામે ૧૭મી જુને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા તેણે આ કરવાનું કારણ મારી સાસરીવાળા અને મારી પત્ની છે. આ લોકોએ મારી છોકરીને મારી પાસેથી દુર કરી દીધી એ પ્રકારની ચિઠ્ઠી લખી હતી. બલિરામના અંતિમ સંસ્કાર અને વિધિ આટોપ્યા બાદ તેની માતા ગીતાબેન કોળીએ વહુ કવિતા તથા વેવાઇ શિવરામ નારાયણ કોળી અને વેવાણ ર્નિમલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.