આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે, શિવભકતોમાં શિવમાં લિન થવા થનગની રહ્યાં છે. દર વર્ષે શિવાલયોમાં દેવાધિદેવ મહાદેવને રિઝવવા ભકતોની ભારે ભીડ લાગે છે, પરંતુ હાલના સંજોગો જોતાં આ વર્ષે કદાચ આ પરિસ્થિતિ જોવા ન પણ મળે! જો કે, ઘરે રહીને પણ આપણે આપણાં આરાધ્યની સેવા-પૂજા અને ધ્યાન કરી શકીએ છીએ.

આ પવિત્ર દિવસો દરમિયાન જો તમો મહાદેવને પ્રસન્ન કરવા માંગતા હો તો ધાતુના શિવલિંગને બદલે પારદ શિવલિંગની પૂજા અને સ્થાપના કરી શકાય કારણ કે, તે સિદ્ધિદાયક હોવાનું કહેવાય છે. 'શિવ પુરાણ'નો જો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે, શિવ પુરાણ અનુસાર પારદને બીજ માનવામાં આવ્યું છે, જે સંપૂર્ણ જીવોના ઉત્પત્તિનું કારણ છે, તેના માધ્યમથી ભૌતિક સૃષ્ટિનો વિસ્તાર થયો હોવાનું કહેવાય છે.

શિવ અને પારદનો સાક્ષાત સંબંધ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરવાથી તંત્ર-મંત્રના ખરાબ પ્રભાવને પણ ઓછો કરી શકાય છે. એવું કહેવાય છે કે, જે કોઈ પણ શિવલિંગની પૂજા ખરા હૃદયથી અને શ્રદ્ધાપૂર્વક કરે છે તેની રક્ષા ખૂદ મહાકાળી માતા કરે છે.