લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2026 |
5841
અમરનાથ ગુફામાં કુદરતી બરફનું શિવલિંગ લગભગ સંપૂર્ણપણે પીગળી ગયું છે. હજુ યાત્રાના પાંચ દિવસ જ વીત્યા છે. ૫૭ દિવસ ચાલનારી યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈ હતી. યાત્રાના પહેલા ચાર દિવસમાં લગભગ ૮૬ હજાર શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા. અધિકારીઓના મતે, મંગળવારે પાંચમા દિવસે આ સંખ્યા ૧ લાખને પાર પહોંચવાની આશા છે. યાત્રા માટે આ વર્ષે ૪ લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે હજુ ૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓના દર્શન કરવા બાકી છે. ૨૩ મેના રોજ બીએસએફના જવાનોએ જે તસવીર જાહેર કરી હતી, તેમાં શિવલિંગનું કદ લગભગ ૭ ફૂટ હતું. ૨૯ જૂને પ્રથમ પૂજાના દિવસે પણ હિમલિંગની ઊંચાઈ ૫ ફૂટથી વધુ હતી. ૬ જુલાઈએ સામે આવેલી તસવીરમાં હિમલિંગ લગભગ ૯૦% ગાયબ થઈ ચૂક્યું છે. ૪૮ કિમી લાંબા નૂનવાન-પહેલગામ રૂટ અને ૧૪ કિમીના નાના પણ મુશ્કેલ બાલતાલ રૂટ પરથી સતત યાત્રીઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. યાત્રા ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂરી થશે.