શહેરમાં વધુ એક કસ્ટોડિયલ ડેથ : બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોક્સોના આરોપીનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026  |   1089

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન એક આધેડનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મૃતક વ્યક્તિની ઓળખ અહેમદ અંસારી તરીકે થઈ છે, જેમને પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલી એક ગંભીર ફરિયાદના અનુસંધાનમાં પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અહેમદ અંસારી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો, જે સંદર્ભે પોલીસ તેમની સઘન પૂછપરછ કરી રહી હતી. પૂછપરછની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન અચાનક આધેડની તબિયત લથડી હતી અને તેમને ખેંચ (મૂર્છા) આવી ગઈ હતી. સ્થિતિ ગંભીર જણાતાં પોલીસે તુરંત જ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.કસ્ટોડિયલ ડેથની આ ઘટના બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના મૂર્તદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ અને પેનલ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ પૂરતું પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ તેજ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution