લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026 |
2574
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ થઈ ગયું છે. લાંબી ચર્ચા બાદ આ બિલને ધ્વનિમતથી મંજૂરી મળી છે. જાેકે, બિલ પર ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જાેરદાર નોકઝોક જાેવા મળી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને બંને પક્ષો વચ્ચે ભારે તણાવ જાેવા મળ્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એન્ટી પેપર લીક બિલ પસાર થયાની જાહેરાત કરી અને આવતીકાલ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી હતી.
લોકસભામાં બિલ રજૂ કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, જ્યારે આટલા મહત્વના બિલ પર ચર્ચા થઈ રહી હોય ત્યારે સૂચનો આપવાના બદલે તેના પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષના નેતાએ જે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો તે આશ્ચર્યજનક છે. મને નવાઈ લાગે છે કે શું તેમને સંસદીય કાર્યવાહીના મૂળભૂત નિયમોની પણ જાણકારી છે? દેશના યુવાનો, જે દેશનું ભવિષ્ય છે, તેમને ‘મૂર્ખ’ કહેવા કરતાં વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે?
જિતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ‘૨૧ જુલાઈએ વિપક્ષના નેતા કદાચ કોઈ ખાસ વિચારસરણીને કારણે વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર જઈને બેસી ગયા હતા.
‘ઇડિયટ’ શબ્દ બોલતાં સ્પીકરે ૧૧ વાર, રિજિજુએ ૭ વાર ટોક્યા, કહ્યું- માફી માગો
નવી દિલ્હી : વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પેપર લીક સંબંધિત બિલ પર ૫૦ મિનિટ ભાષણ આપ્યું હતું. તેમણે ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દો બોલ્યા હતાં. પછી કહ્યું કે ગૃહમંત્રીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો હતો. આને લઈને સત્તાપક્ષે જાેરદાર હોબાળો કર્યો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ ૭ વખત ઊભા થઈને રાહુલને ટોક્યા અને સંસદીય નિયમનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાએ માફી માંગવી જાેઈએ. આના પર રાહુલે કહ્યું, ‘જાે તમે ઈચ્છો છો કે દેશમાં ફક્ત ભાજપ બોલે તો હું ચૂપચાપ બેસી જાઉં છું.’ સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલને ૧૧થી વધુ વખત ટોક્યા. કહ્યું કે તેઓ આવા અસંસદીય શબ્દો બોલી શકતા નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પીકરને કહ્યું- આ શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવે.