/
કાલોલમાં ખાતરના વધુ નાણાં પડાવવાના મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

ગોધરા : કાલોલ તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બુધવારે મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.  

આવેદનમાં જણાવ્યા મુજબ હાલમાં સંગ્ર પંચમહાલ જિલ્લામાં ખેતીલાયક સારો વરસાદ પડયો છે. પરંતુ રાસાયણિક ખાતરની અછત વચ્ચે કેટલાંક ખાતર વિક્રેતાઓ દ્વારા ઉપલબ્ધ ખાતરના ઉંચા ભાવ વસુલવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. લોકડાઉન દરમ્યાન બેરોજગારી વધી છે તેથી પંચમહાલ જિલ્લામાં વસતા મોટાભાગના લોકો માટે ખેતી જ એક આધાર હોવાથી આવી વિષમ પરિસ્થિતિમાં કેટલાક સરકારી વેપારીઓ ખાતરની અછતનો લાભ લઈને ખેડૂતો પાસેથી રાસાયણિક ખાતરની નક્કી કરેલી કિંમત કરતાં વધુ નાણાં પડાવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જિલ્લાના વડામથક ગોધરા સહિત અન્ય તાલુકાઓમાં આવેલા રાસાયણિક ખાતરોનું વેચાણ કરતા લોભીયા વેપારીઓ ગોડાઉનમાંથી રાસાયણિક ખાતર બારોબાર સગેવગે કરી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેથી લોકડાઉન પછી જગતના તાત ગણાતા ધરતીપુત્રોની ની ચિંતા કરી રાજ્ય સરકાર અને સરકારી તંત્ર સત્વરે જાગૃત બની વિવિધ ખાતરના ડેપો પરથી ખેડૂતો પાસેથી વધુ નાણાં પડાવતા અટકાવવા માટે આવા વેપારીઓ સામે અસરકારક રીતે કાયદેસરની કાર્યવાહી કરવા આવે અને સરકારી ભાવ અને ગાઇડલાઇન મુજબ યોગ્ય જથ્થો સમયસર પુરો પાડવામાં આવે તેવી રજુઆત કોંગ્રેસના મહામંત્રી પ્રદીપસિંહ પરમાર અને પ્રમુખ નર્વતસિંહ પરમારના નેતૃત્વમાં વિવિધ આગેવાન કાર્યકરોએ ઉપસ્થિત આ સમગ્ર સમસ્યા મામલે ઘટતું કરવાની માગણી કરી હતી.   જે અંગે કાલોલ મામલતદારે પણ તેમનો અવાજ ઉપર સુધી પહોંચાડવા અને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution