લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓગ્સ્ટ 2026 |
3168
ગંગા જળ સંધિ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદનું નવું કેન્દ્ર બની ગઈ છે. ગંગા જળ સંધિ આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે, અને બાંગ્લાદેશ સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે એક આંતરિક નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિનું કાર્ય ૩૦ વર્ષ જૂની સંધિના ભવિષ્ય અંગે વધુ ચર્ચા કરવાનું છે અને તેમણે ચર્ચા શરૂ કરવા માટે નવી દિલ્હીને વિનંતી મોકલી છે. ધ પ્રિન્ટે આ બાબતથી પરિચિત એક વ્યક્તિનો ઉલ્લેખ કરીને અહેવાલ આપ્યો છે કે બાંગ્લાદેશે ૮ જૂને વાટાઘાટો માટે વિનંતી મોકલી હતી, પરંતુ ભારતે કોઈ જવાબ આપ્યો નથી.
ધ પ્રિન્ટના અહેવાલ મુજબ, સરકારી સૂત્રો કહે છે કે વાટાઘાટો યોગ્ય પ્રક્રિયા દ્વારા, એટલે કે સંયુક્ત નદી આયોગ દ્વારા અને બંને પક્ષો માટે અનુકૂળ સમયે હાથ ધરવામાં આવશે. ઢાકાએ ૨૦૨૬ ની ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સરહદ પાર નદીના પાણીની વહેંચણીના વિવિધ પાસાઓ પર નવી દિલ્હી સાથે ચર્ચા કરવા માટે એક આંતરિક સમિતિ બનાવવાનું પગલું ભર્યું છે.
બંને દેશો વચ્ચે ૫૪ નદીઓ વહે છે. ૧૨ ડિસેમ્બર, ૧૯૯૬ ના રોજ તત્કાલીન વડા પ્રધાન દેવેગૌડા અને શેખ હસીના વચ્ચે હસ્તાક્ષર કરાયેલ ગંગા જળ સંધિ ૩૦ વર્ષ માટે હતી, જે આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે. આ સંધિ ૧૯૪૯ થી ૧૯૮૮ વચ્ચેના પાણીના પ્રવાહના અંદાજ પર આધારિત ફોર્મ્યુલા અને સૂચક સમયપત્રકના આધારે વિકસાવવામાં આવી હતી. તે પશ્ચિમ બંગાળના ફરક્કા બેરેજમાંથી વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન, ૧ જાન્યુઆરીથી ૩૧ મે સુધી છોડવામાં આવનાર પાણીનો ન્યૂનતમ જથ્થો નક્કી કરે છે. જાે ફરક્કા બેરેજ પર પાણીની ઉપલબ્ધતા ૭૦,૦૦૦ ક્યુસેકથી ઓછી થાય છે, તો બંને દેશોને છોડવામાં આવેલા પાણીનો આશરે ૫૦ ટકા ભાગ મળે છે.