લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026 |
990
નવસારીના એલઆઈસી અને પોસ્ટ ઓફિસના એજન્ટ સુરેન્દ્રકુમાર ગાંધી દ્વારા એનઆરઆઈ દંપતી સાથે આચરવામાં આવેલા ૧.૯૪ કરોડથી વધુની ઠગાઈના કેસમાં બેંક અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. નવસારીના જૂનાથાણાના વતની અને છેલ્લાં ૩૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ધર્મેશકુમાર વલસાડીયા દ્વારા એલઆઈસી અને પોસ્ટ ઓફિસના અધિકૃત એજન્ટ સુરેન્દ્રકુમાર ગાંધી મારફતે એલઆઈસી અને પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓમાં કુલ ૧૯૪૫૧૧૨૪ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આરોપી સુરેન્દ્રકુમારે ધર્મેશકુમારની જાણ બહાર તેમનાં દ્વારા કરવામાં આવેલાં રોકાણના નાણાં બારોબાર ઉપાડી લેવામાં આવ્યાં હતાં. આવામાં એલઆઈસી અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ફરિયાદીની જાણ કે સંમતિ વિના સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં ખોટી સહીઓ તથા દસ્તાવેજોના આધારે નકલી ખાતાઓ કેવી રીતે ખોલવામાં આવ્યાં તે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે. આ કેસમાં આરોપી એજન્ટ સુરેન્દ્રકુમાર ગાંધી નવસારી પોસ્ટ ઓફિસમાં મોડી સાંજ સુધી કયા કર્મચારી સાથે બેસતો હતો અને નાણાંના વ્યવહારો તથા ટ્રાન્સફરમાં તેને કોણે મદદ કરી હતી તે અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. આમ, આ ૧.૯૪ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીના કેસમાં પોસ્ટ અને બેંકના કર્મચારીઓની સંડોવણી વિના આટલાં મોટાં પ્રમાણમાં નાણાંકીય ગોટાળા શક્ય ન હોવાથી પોલીસ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ક્યારે હાથ ધરવામાં આવશે તે અંગે ચર્ચાઓ જોવા મળી રહી છે.