દિલ્હી-

આજના ઓનલાઈન યુગમાં લોન પણ ઓનલાઈન મળતી થઈ છે. મીનીટોમાં ઓનલાઈન લોન આપનારની કંપનીઓ (ફીનટેક) કયારેક મુસીબત બની જાય છે અને તેનું તગડું વ્યાજ પણ હોય છે.

મોબાઈલ એપથી થોડી મીનીટોમાં મળતી આ લોન વિદ્યાર્થીઓ નોકરીયાતો મેળવતા હોય છે પરંતુ ચૂકવણામાં મોડુ થવું કે ચૂક થવાથી આવી ફીનટેક કંપનીઓ ધમકી આપતી હોય છે અને કેટલાક કિસ્સામાં ઘરે બાઉન્સર મોકલવાની ધમકી આપતી હોય છે.

આ સિવાય અન્ય રીતે અપનાવીને બદનામ કરવાની ધમકી આપે છે. આવી ફીનટેક કંપનીઓના શિકાર મોટેભાગે કોલેજના છાત્રો કે યુવાન બને છે.બેન્ક અને બિનનાણાકીય કંપનીઓ લોન આપતા પહેલા ઘણી તપાસ કરે છે ત્યારે આવી ફીનટેક કંપનીઓ આ તકનો લાભ ઉઠાવીને માત્ર એક કલાકમાં લોનની ઓફર કરતી હોય છે. જો કે તેના બદલામાં અધધધ 360 ટકા સુધી વ્યાજ વસુલતી હોય છે. આ ફિનટેકની નજર 45 કરોડ યુવા વસ્તી પર છે. 

કયાં કરશો ફરિયાદ- ફિનટેક ધમકી આપે તો નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ કરો. જો સ્પેશ્યલ આઈટી સેલ હોય તો ત્યાં પણ ફરિયાદ કરી શકો છો. આ સિવાય રિઝર્વ બેન્કને પણ ફરિયાદ કરી શકો છો. વિશેષજ્ઞોનું કહેવું છે કે ફીનટેકથી આંખો મીંચીને લોન ન લેવી. જો લોન લેવી જ હોય તો ફીનટેકની શરતો ધ્યાનથી વાંચી લઈ તેનો ડીઝીટલ દસ્તાવેજ પાસે રાખવાનું ન ભુલતા. જો ફીનટેકથી ધમકીભર્યા કોલ આવે તો તેને રેકોર્ડ પણ કરો, જે ફરિયાદમાં મજબૂત પુરાવો બનશે.