મુંબઇ

કોરોનાની મહામારીને કારણે દેશના અનેક રાજ્યની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. દૈનિક કેસ રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. બીજી તરફ સેકન્ડ વેવમાં મરણાંક પણ વધી ગયો છે. મોતના મોટા થતા આંકડા આરોગ્ય વિભાગની ચિંતા વધારી રહ્યા છે. સંક્રમણ થતું અટકાવવા રાજધાની દિલ્હી સહિત જુદા જુદા રાજ્યના મહાનગરમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે.

આ પગલાંની અસર ભારતીય શેર માર્કેટ ઉપર પણ પડી છે. ગત સોમવારે શેર માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કડાકો બોલી જતા રોકાણકારોની રૂ. 3.50 કરોડની રકમ ડૂબી ગઈ હતી. બીજી તરફ કોરોના વાયરસના અણધાર્યા આક્રમણને કારણે દેશના જાણીતા અબજોપતિને પણ માઠી અસર થઈ છે. એક જ ફટકામાં રાતોરાત અબજોપતિઓની સંપત્તિ ઘટી ગઈ છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત, બંનેના રેન્કિંગ પણ ગગડી ગયા છે.

મુકેશ અંબાણી

સંપત્તિના મામલે દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રેન્કિંગમાં નીચે ઉતર્યા છે. સંપત્તિના કેસમાં એમનું સ્તર 71 બિલિયન ડૉલર પર આવીને ઊભું રહ્યું છે. અગાઉ એમનું નામ 12માં ક્રમે હતું, જે ગગડીને 13માં ક્રમે આવી ગયું છે. ચીનના ઝોંગ શૈનશૈન 65.5 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી કરતા એક સ્થાન નીચે 14માં ક્રમે છે. આજ રીતે ગૌતમ અદાણીની સંપત્તિ અને રેકિંગમાં પણ ઘટાડો થયો છે. હાલ અદાણીની સંપત્તિ 55 બિલિયન ડૉલરના સ્તર પર આવીને અટકી છે. તેઓ દુનિયાના અબજોપતિની યાદીમાં 23માં સ્થાને છે. હજુ બે અઠવાડિયા પહેલા જ ગૌતમ અદાણી દુનિયાના ટોપ 20 અબજોપતિની યાદીમાં સામેલ થયા હતા. અબજોપતિ ક્લબમાં એમનું નામ ઉમેરાયું હતું. એ સમયે એમની સંપત્તિનું મુલ્ય 62 બિલિયન ડૉલરને પાર થઈ ગયું હતું.

જેફ બેઝોસઃ

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ 197 બિલિયન ડૉલર સાથે દુનિયાના સૌથી મોટા અબજોપતિ છે. બીજા સ્થાને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક અને ત્રીજા સ્થાને માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ યથાવત છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ એક ડીલને લઈને દુનિયાના ધનિક જેફ બેઝોસની એમેઝોન તથા ફ્યુચર ગ્રુપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ ડીલ 24 હજાર કરોડથી પણ વધારે રકમની છે. પણ હકીકત એવી પણ છે કે, કોરોના વાયરસને કારણે દેશના મોટા ઉદ્યોગપતિઓને પણ મોટો આર્થિક ફટકો પડ્યો છે.