દિલ્હી-

રૂ. 8100 કરોડ રૃપિયાના બેંક છેતરપિંંડી કેસમાં દિલ્હીની કોર્ટે ગુજરાતના વડોદરા સ્થિત ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટક લિમિટેડ (એસબીએલ)ના ચાર ડાયરેક્ટરોને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા છે.

એડિશનલ સેસન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં આ આદેશ જારી કર્યો હતો. જજે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે મને એમ કહેવામાં જરા પણ ખચકાટ નથી કે અરજકર્તાએ સફળતાપૂર્વક પુરવાર કર્યુ છે કે આરોપીઓ ભાગેડુ આર્થિક અપરાધીઓ છે. તેથી હું આ કેસના આરોપીઓ નીતીન જયંતિલાલ સાંડેસરા, ચેતન જયંતિલાલ સાંડેસરા, દિપ્તી ચેતન જયંતિલાલ સાંડેસરા અને હિતેશકુમાર નરેન્દ્રભાઇ પટેલને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરું છું.

ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓ દેશ છોડીને ફરાર થઇ ગયા છે અને તેઓ ક્રિમિનલ તપાસનો સામનો કરવાની કાયદાકીય પ્રક્રિયાથી દૂર ભાગી રહ્યાં છે. ઇડીના જણાવ્યા અનુસાર સ્ટર્લિંગ બાયોટેકના ચાર આરોપીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે બેલેન્સ શીટમાં ખોટી રકમ દર્શાવીને બેંકો પાસેથી ઉંચી રકમની લોન મંજૂરી કરાવી હતી.