દિલ્હી-

ઈન્ડિયા કાવાસાકી મોટરે 2022 Ninja 650 મોટરસાયકલ ભારતમાં લોન્ચ કરી દીધી છે, જેની એક્સ શો-રૂમ પ્રાઈઝ 6.61 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. નવી Kawasaki Ninja 650ને બે નવા રંગો પર્લ રોબોટિક વ્હાઈટ અને લાઈમ ગ્રીનમાં રજૂ કરવામાં આવી છે. એમવાય 2021 એડિશન સાથે સરખામણી કરીએ તો નવી બાઈકની કિંમતમાં 7000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને નવા રંગોની સાથે તેમાં માત્ર કોસ્મેટિક બદલાવો કરવામાં આવ્યા છે. નવી Kawasaki Ninja 650ને સપ્ટેમ્બર 2021ની શરૂઆતથી ગ્રાહકોને ડિલીવરી કરવાનું શરૂ કરવામાં આવશે. આ મિડલવેટ મોટરસાયકલ એન્ટ્રી લેવલની સુપરબાઈક્સમાં સૌથી સંતુલિત વિકલ્પ છે અને જે ગ્રાહક પોતાની પહેલી દમદાર મોટરસાયકલ ખરીદવા ઈચ્છે છે, તેમના માટે Kawasaki Ninja 650 એક ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. Kawasaki Ninja 650ના 2022 મોડલને પહેલા જેવું જ 649 cc પેરેલલ- ટ્વિન એન્જિન મળ્યું છે, જે 66 bhp તાકાત અને 64 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6- સ્પીડ ગિયરબોક્સથી લેસ છે અને સ્લિપર ક્લચની સાથે આવે છે. બાઈકના આગળના ભાગમાં કંપનીએ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપ્યા છે. આ ઉપરાંત, આગળ અને પાછળના હિસ્સામાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે અને આ બાઈક ડ્યૂઅલ ચેનલ એન્ટલોક બ્રેકિંગ સિસ્ટમથી લેસ છે. નવી Ninja 650ને ટ્વિન એલઈડી હેડલેમ્પ્સ અને 4.3 ઈંચ ટીએફટી ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ મળ્યું છે, જે રાઈડોલોજી એપ દ્વારા સ્માર્ટફોન કેનેક્ટિવિટી પર કામ કરે છે.