મુબંઇ-

ઇન્ફોસિસના સહસ્થાપક એસ ડી શિબુલાલના પરિવારના સભ્યોએ ઇન્ફોસિસના 85 લાખ શેર 22-24 જુલાઈ વચ્ચે વેચ્યા હોવાનું જણાયું છે. શિબુલાલના પુત્ર શ્રેયસે 40 લાખ શેર, કે જે કંપનીનો 0.09 ટકા હિસ્સો થાય છે, તેને 22,23 અને 24 જુલાઈ વચ્ચે વેચ્યા હતા. શિબૂલાલની ઓફિસે આ અંગે એવું જણાવ્યું હતું કે એકત્ર રકમનો ઉપયોગ દાનમાં તેમજ નવા રોકાણ માટે કરાશે.

અગાઉ શ્રેયસ શિબુલાલ કંપનીના શેરનો 0.66 ટકા હિસ્સો ધરાવતો હતો પરંતુ તેણે 40 લાખ શેર એક્સચેન્જ પર વેચતા તેનો હિસ્સો ઘટીને 0.56 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત ઇન્ફોસિસના સહસ્થાપકના જમાઈ ગૌરવ મનચંદાએ પણ 18લાખ શેર (0.04 ટકા હિસ્સો) અને તેના પૌત્ર મિલન શિબુલાલ મનચંદાના નામે રહેલા 18 લાખ શેર (0.03 ટકા હિસ્સો) સમાન તારીખમાં વેચ્યા હતા. આ અંગે કંપનીએ એક્સચેન્જને પણ એક યાદીમાં જણાવ્યું છે. શેર વેચાણ બાદ ગૌરવ મનચંદાનો કંપનીમાં શેર હિસ્સો ઘટીને 0.32 ટકા તેમજ મિલનનો હિસ્સો 0.33 ટકા રહ્યો છે. શિબુલાલના પત્ની કુમારીએ 12 લાખ શેર (0.03) ટકા હિસ્સો વેચા તેમની પાસે 0.22 ટકા શેર હિસ્સો રહ્યો છે.

એસ ડી શિબૂલાલ સહિત એન આર નારાયણ મૂર્તિ અને પાંચ અન્ય લોકોએ મળીને 1981 માં ઇન્ફોસિસની સ્થાપના કરી હતી. 2011-14 વચ્ચે શિબૂલાલ આઈટી કંપનીના સીઈઓ અને એમડી પદે રહ્યા હતા. અગાઉ 2007-11 સુધી તેઓ સીઓઓ તરીકે કાર્યરત હતા. હાલમાં તેઓ એક્સિલોર વેન્ચર્સ મારફતે નવા ટેક્નોલોજી સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરે છે. આ વેન્ચર તેમણે ઇન્ફીના સહસ્થાપક ક્રિસ ગોપાલક્રિષ્નન સાથે મળીને સ્થાપ્યું છે.