મુંબઇ-

કોરોના વાયરસની મહામારી અને લોકડાઉને સમગ્ર વિશ્વને હચમચાવી દીધી છે અને કમરતોડ ફટકો માર્યો છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)ના એક અહેવાલ મુજબ કોરોના મહામારીને લીધે સર્જાયેલી કટોકટીને કારણે એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં ચાલુ વર્ષે 8.1 કરોડ નોકરીઓ છિનવાઇ ગઇ છે. એટલુ જ નહીં શ્રમિકોના વેતનમાં પણ 10 ટકાનો ઘટાડો આવ્યો છે જેના પગલે 2.2 કરોડથી 2.5 કરોડ જેટલા લોકો ગરીબીની ચુંગલમાં ફસાઇ શકે છે.

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના આ અહેવાલ મુજબ એશિયા-પેસિફિક એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલૂક 2020ના મતે 2020ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં એશિયા-પેસિફિક રિજનમાં શ્રમિકોના વેતનમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે અને પરિણામ ગરીબી વધી છે. તેનાથી આ વિસ્તારમાં 2.2 કરોડથી 2.5 કરોડ લોકો ગરીબીની ચૂંગલમાં ફસાઇ શકે છે. એટલે કે 2020માં એશિયા-પેસિફિકમાં આવા લોકોની સંખ્યા 9.4થી 9.8 કરોડ હોઇ શકે છે જે દરરોજ 1.90 ડોલરથી પણ ઓછી રકમમાં જીવન નિર્વાહ કરી રહ્યા છે. 

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અહેવાલે મુજબ એશિયા અને પેસિફિકમાં એકંદર વધારાના કામકાજના સમયગાળામાં બીજા ક્વાર્ટરમાં અંદાજિત 15.2 ટકાનો ઘટાડો થયો હતો અને 2020ના ત્રીજા ક્વાર્ટરમાં 10.7 ટકાનો ઘટાડો થયો હતો, જે સંકટ પૂર્વેના સ્તરની તુલનામાં ઓછા હતા. 

ILOના રિપોર્ટમાં જણાવાયુ છે કે, કોરોના સંકટને કારણે શ્રમિક માર્કેટને જે નુકસાન થઇ રહ્યુ છે, તે અનુસાર સરકારોએ નાણાંકીય પગલાંઓ લીધા નથી. આ કારણે એશિયા અને પેસિફિક ક્ષેત્રના દેશોમાં અસમાનતા વધવાનો ખતરો છે. આરંભિક અંદાજો મુજબ ક્ષેત્રીય બેરોજગારી દર 2020માં 5.2 ટકા અને 5.7 ટકાની વચ્ચે રહેવાની શક્યતા છે. વર્ષ 2019માં તે 4.4 ટકા હતી.