મુંબઈ

૨૮ મેના રોજ રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે તેણે એચડીએફસી બેંક પર ૧૦ કરોડનો દંડ ફટકાર્યો છે. બેંક પર આરોપ છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ ની કલમ ૬ (૨) નું ઉલ્લંઘન કર્યું છે.બેંક રેગ્યુલેટર આરબીઆઈએ તેના અધિકારીઓનો ઉપયોગ કરીને આ દંડ લાદ્યો છે. આનાથી બેંક અને ગ્રાહકો વચ્ચેના સોદા અથવા કરારને અસર થશે નહીં.આરબીઆઈના એક વ્હિસલબ્લોઅરે બેંકના ઓટો લોન પોર્ટફોલિયોમાં ખામી હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરબીઆઈએ બેંકના ત્રીજા પક્ષના નાણાંકીય ઉત્પાદનો સાથે સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી જેમાં ખામી હોવાનું બહાર આવ્યું.

આ કેસમાં આરબીઆઈએ પણ બેંકને કારણદર્શક નોટિસ ફટકારી હતી અને પૂછ્યું હતું કે શા માટે દંડ ન કરવો જોઇએ. બેંકમાંથી શો કોઝ નોટિસ અંગે સુનાવણી કર્યા પછી અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી આરબીઆઈ એ ર્નિણય પર આવ્યો કે એચડીએફસી બેંકે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ પછી આરબીઆઈએ ૨૮ મેના રોજ ૧૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

એચડીએફસી બેંકના ઓટો લોન પોર્ટફોલિયોમાં ગ્રાહકોને ઓટો લોન સાથે જીપીએસ ડિવાઇસીસ ખરીદવા માટે દબાણ કરવાનો આરોપ છે. ગ્રાહક જીપીએસ ડિવાઇસ ખરીદવા તૈયાર ન થાય ત્યાં સુધી ઓટો લોન પણ માન્ય નથી. આ જીપીએસ ડિવાઇસની કિંમત ૧૮,૦૦૦ રૂપિયા છે. તે મુંબઇ સ્થિત કંપની ટ્રેકપોઇન્ટ જીપીએસ દ્વારા બનાવવામાં આવી છે.