૪૪માંથી ૪૪ બેઠકો જીતવાનો ભાજપનો દાવો, ગાંધીનગર મનપા ચૂંટણી માટે સંગઠન સક્રિય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026  |   1683

ગાંધીનગર મહા-નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે મનપાની તમામ ૪૪ બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં ચૂંટણીમાં ઐતિહાસિક વિજયનો દાવો કર્યો છે. ચૂંટણીની રણનીતિને આખરી ઓપ આપવા માટે શહેરના સંગઠનના હોદ્દેદારો સાથે વોર્ડવાર બેઠકો યોજવામાં આવી રહી છે.ગાંધીનગરના સેક્ટર-૨૬ ખાતે તરુણ ચુઘની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેર ભાજપના અધ્યક્ષ સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર ૧થી ૬ના પદાધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર ૭થી ૧૧ના પદાધિકારીઓ સાથે અલગ બેઠક યોજવામાં આવી હતી. કુડાસણની એક ખાનગી હોટલમાં યોજાયેલી બેઠકોમાં ચૂંટણીલક્ષી આયોજન અને સંગઠનના સંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તરુણ ચુઘે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને સરકારનાં કામો અને વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. સતત બેઠકો યોજીને ચૂંટણીની તૈયારીઓને વેગ આપવામાં આવી રહ્યો છે. જનતા ભાજપને આશીર્વાદ આપશે અને પક્ષને ઐતિહાસિક વિજય અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નિશાન બનાવતાં ચુઘે બંને પક્ષોને વિકાસવિરોધી ગણાવ્યા હતા. જનતા મતની તાકાતથી બંને પક્ષોને જવાબ આપશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો.ગાંધીનગર મનપાની ચૂંટણીમાં તમામ ૪૪ બેઠકો જીતવાનો ભાજપનો દાવો હવે મતદારોના સમર્થન પર ર્નિભર રહેશે. સંગઠનાત્મક બેઠકો અને ઘર-ઘર સંપર્ક દ્વારા ભાજપ ચૂંટણીમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે સ્મિત મચ્છર મુદ્દે ગાંધી પરિવાર અને ઇન્ડી ગઠબંધનની ભૂમિકા સામે સવાલો ઉઠાવી રાજકીય વિવાદને વેગ આપ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વોટબેંકની રાજનીતિને કારણે ગાંધી પરિવાર અને ઇન્ડી ગઠબંધનના નેતાઓ આ મુદ્દે મૌન છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution