/
બોક્સિંગ ડે ટેસ્ટ : ત્રીજા દિવસે ભારતીય ટીમ છવાઇ,ગુજ્જુ ખેલાડી રહ્યો હિરો

મેલબોર્ન

એડિલેડમાં શરમજનક પરાજય બાદ ટીમ ઇન્ડિયાએ મેલબર્ન ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત પલટવાર કર્યો છે. રમતના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાને જીતની ગંધ આવી રહી છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે 131 રનની બઢત મેળવી હતી અને તે પછી તેણે બીજી પારીમાં ઓસ્ટ્રેલિયાની 6 વિકેટ ખેડવી નાંખી હતી. બીજા દિવસે ભારતની પહેલી પારીમાં 326 રન બન્યા હતા.

આજીંક્ય રહાણે 112 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે જાડેજાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. જાડેજાએ 57 રનની ઇનિંગ્સ રમી હતી. એ જ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. રમતના અંત સુધી ઓસ્ટ્રેલિયન ટીમ માટે કેમેરોન ગ્રીન 17 અને પેટ કમિન્સ 15 રને અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ભારત માટે બીજી ઇનિંગ્સમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બે વિકેટ ઝડપી છે. સિરાજ, અશ્વિન, ઉમેશ યાદવ અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી છે. 

ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાએ આજીંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાની મોટી ભાગીદારીની અપેક્ષા રાખી હતી પરંતુ એવું કઈ થઈ શક્યું નહીં. આજીંક્ય રહાણે ખૂબ જ કમનસીબ રીતે રન આઉટ થયો હતો. લાબુશેને શાનદાર ડાઇવ લગાવી હતી અને બોલને સીધા વિકેટ પર ફટકાર્યો હતો. જેના લીધે રહાણેની ઇનિંગ્સ 112 રનમાં સમાપ્ત થઈ હતી. જો કે જાડેજાએ આ પછી તેની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તે પણ સ્ટાર્ક દ્વારા 57 રનમાં આઉટ થયો હતો. અશ્વિન અને પૂંછલ્લેના બેટ્સમેન પણ કંઈ ખાસ કરી શક્યા નહીં અને ટીમ 326 રનમાં સમેટાઈ ગઈ. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમને 131 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને લાયનને 3-3 અને કમિન્સને 2 વિકેટ મળી હતી. હેઝલવુડે એક વિકેટ પોતાના નામે કરી હતી.

જ્યારે બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેદાન પર ઉતર્યા હતા, ત્યારે ટીમ મેનેજમેન્ટે આશા વ્યક્ત કરી હતી કે હવે તે બેટિંગ માટે સારી પિચ છે અને સરળતાથી સ્કોર કરી શકશે પરંતુ એવું થયું નહીં. 5મી ઓવરમાં ઉમેશ યાદવના આઉટ સ્વીંગ બોલથી બર્ન્સને ઝાટકો લાગ્યો. તે ફક્ત 4 રન બનાવીને પંતના હાથે આઉટ થઈ ગયો. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution