બાકી બિલો મુદ્દે નવસારી અને જલાલપોર તાલુકાની આંગણવાડીમાં બાળકોને નાસ્તો આપવાનું બંધ કરાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026  |   2574

નવસારી જિલ્લામાં આંગણવાડીના બાળકોને અપાતા ગરમ નાસ્તાનાં બિલ છેલ્લાં ૯ મહિનાથી નહીં ચુકવાતા આંગણવાડી વર્કરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંગણવાડી વર્કર્સે આજરોજ નવસારી અને જલાલપોર તાલુકાના આંગણવાડીઓમાં બાળકોને અપાતો ગરમ નાસ્તો અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી તંત્ર સામે રણશિંગુ ફૂંક્યું છે. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં હાલ ૧૩૩૦ જેટલી આંગણવાડીઓ આવેલી છે. જે પૈકી નવસારી અને જલાલપોર તાલુકામાં ૩૬૪ આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીનાં બાળકોને અપાતા ગરમ નાસ્તાનું બિલ છેલ્લાં ૯ મહિનાથી ન ચુકવાતા આંગણવાડી વર્કરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે તેમણે તંત્રને વારંવાર લેખિત ફરિયાદો પણ કરી છે, તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાતા આખરે તેમણે તંત્ર સામે બાંયો ચડાવી છે. આજરોજ નવસારી અને જલાલપોર તાલુકાની ૩૬૪ આંગણવાડીઓની બહેનોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ અચોક્કસ મુદ્દત સુધી આંગણવાડીના બાળકોને અપાતો ગરમ નાસ્તો બંધ કર્યો છે. આ સાથે જ, તેમણે જ્યાં સુધી ગરમ નાસ્તાના બાકી નાણાંની રકમ ખાતામાં જમા ન થાય ત્યાં સુધી બાળકોને ન બોલાવવાનો ર્નિણય કર્યો છે.

આ અંગે કર્મચારીઓનું કહેવું છે કે, છેલ્લાં ૯ મહિનાથી એટલે કે ગત નવેમ્બર-૨૦૨૫થી આંગણવાડીમાં અપાતા ગરમ નાસ્તાના બિલો પેન્ડિંગ છે. છેલ્લાં ૯ મહિનાથી આંગણવાડી વર્કરો પોતાના ખર્ચે, વેપારીઓ પાસેથી ઉધાર સામગ્રી ખરીદીને બાળકોને ગરમ નાસ્તો આપી રહી હતી. આ અંગે બે મહિનાથી લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ યોગ્ય પગલાં ન લેવાતાં અને બાકી બિલો ન ચુકવાતા આંગણવાડી વર્કરોની આર્થિક હાલત કફોડી બની છે. આથી, આજે નવસારી અને જલાલપોર તાલુકાની આંગણવાડીઓની બહેનોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યાં છે. અને આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અને કાલથી ચીખલી, વાંસદા, ખેરગામ અને ગણદેવી તાલુકાની આંગણવાડીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે.

જ્યાં સુધી સરકાર કે વહિવટી તંત્ર દ્વારા બાકી બિલોની ચુકવણી કરવામાં ન આવે ત્યાં સુધી આંગણવાડીઓમાં નાસ્તાની સેવા પૂર્વવત્ નહીં થાય, અને ત્યાં સુધી બાળકોને પણ નહીં બોલાવાય તેવી ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution