વડોદરા, તા.૨૩

દુનિયાભરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને જઘન્ય અપરાધ ગણી કડક પગલાં લેવાય છે ત્યારે ભારતમાં મોડે મોડે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઉપર નજર રાખી ઝડપી લેવાની કાર્યવાહી શરૂ થઈ છે. શહેરના સાયબર ક્રાઈમ વિભાગે આજે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો ડાઉનલોડ અને અપલોડ કરનાર ૩૦ વર્ષીય સાગર પ્રફુલભાઈ વાઘમોડેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ધ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેડમેન્ટ એક્ટ-ર૦૦૮ હેઠળ નોંધાયેલી આ ફરિયાદમાં જણાવ્યું છે કે સીઆઈડી ક્રાઈમ અને રેલવેની ગાંધીનગરની કચેરીએ આવતી પોર્નોગ્રાફીની ટીપલાઈન અનુસાર કામગીરી કરવાની હોય છે એ મુજબ સાયબર ક્રાઈમ વિભાગમાં ફરજ બજાવતા કિરણ દશરથ રાવે આ ફરિયાદ નોંધાવી છે.

એનસીઆરપી પોર્ટલ ઉપર વડોદરાના યુવક દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મોબાઈલ દ્વારા અપલોડ અને ડાઉનલોડ કરવામાં આવતાં હોવાની સૂચના મળી હતી અને મોબાઈલ સીમકાર્ડના નંબરો પણ મોકલાયા હતા. જેમાં કુલ ૩ર ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી ટીપલાઈનની સીડી ગાંધીનગરથી વડોદરા મોકલાવમાં આવી હતી જેની અત્રેની કચેરીએ કોમ્પ્યૂટરમાં સીડી નાખી ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી.

ટીપલાઈન નંબર ૭૪૩૪૭૩૧૦ની વિગતો જાેતાં ફેસબુક યૂઝર નેમ સેમર ધોન હતું જે સાગર પ્રફુલભાઈ વાઘમોડે (ઉં.વ.૩૦, રહે. સી/૩૩, સરસ્વતી સોસાયટી, કુબેરેશ્વર મહાદેવ મંદિર પાસે, માંજલપુર)નું હતું. જેનો મોબાઈલ વિવો કંપનીનો મોડેલ એસ ૧ અને સીમકાર્ડ નં. ૮૮૬૬૩૨૮૨૬૮ હતું. આ મોબાઈલ ફોનથી ૧-૭-ર૦ના રોજ ૪ વાગે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ ડાઉનલોડ શેર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

જેથી સાગર વાઘમોડેને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથ કરવામાં આવી હતી અને એના મોબાઈલ ફોનની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. સાગરના મોબાઈલમાં વીડિયો નામના ફોલ્ડર ક્રમ નં.પ૬૯નો વીડિયો ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતો હોવાથી આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા સાગર વાઘમોડેને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અપલોડ, ડાઉનલોડ શેર કરવા બદલ ગુનો નોંધી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સાગર સામે બાળકોના લૈગિંકકૃત્ય દર્શાવતી અને અન્ય વીડિયોમાં બાળકોના સેક્સ્યુઅલ ક્રિયાના પોર્નોગ્રાફી વીડિયો અપલોડ ડાઉનલોડ, શેર કરી ગુનો કર્યો હોવાની આઈટી એક્ટ - ૬૭બી મુજબ કાર્યવાહી હાથ ધરી છે.