લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુલાઈ 2026 |
2970
ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા ((LAC) ) સામે ચીનની સરહદે ચીની વાયુસેનાની મોટી હલચલ સામે આવી છે. સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થયો છે કે ચીને ભારતીય સરહદ તરફ તેના બે એરબેઝ પર ઓછામાં ઓછા ૧૨ અત્યાધુનિક J-20 સ્ટીલ્થ ફાઇટર જેટ તહેનાત કર્યા છે. તાજેતરના વર્ષોમાં સરહદ નજીક ફિફ્થ જનરેશન સ્ટીલ્થ વિમાનોનો આ સૌથી મોટો જમાવડો માનવામાં આવી રહ્યો છે. વાન્ટોર નામની કોમર્શિયલ સેટેલાઇટ ફર્મ દ્વારા લેવાયેલી આ તસવીરોમાં પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ (PLAAF) ) દ્વારા શિનજિયાંગના હોટાન એરબેઝ અને તિબેટના દામક્ષુંગ એરબેઝ પર આ વિમાનો તહેનાત કરાયેલા દેખાય છે. ૯ જુલાઈની તસવીરો અનુસાર, શિનજિયાંગ ઉઇઘુર સ્વાયત્ત વિસ્તારમાં નાગરિક અને લશ્કરી એરબેઝના ટારમેક (રન-વે) પર ૮ J-20 ‘માઇટી ડ્રેગન’ સ્ટીલ્થ ફાઇટર પાર્ક કરેલા જાેવા મળ્યા હતા. હોટાન એરબેઝ ઉત્તર લદાખમાં આવેલી ભારતીય વાયુસેનાની દૌલત બેગ ઓલ્ડી નામની ફોરવર્ડ પોસ્ટ આશરે ૨૪૫ કિ.મી. અને લેહથી આશરે ૩૮૯ કિમી દૂર આવેલું છે, જ્યારે ૨૫ જૂનની સેટેલાઇટ તસવીરમાં તિબેટના લ્હાસામાં આવેલા દામક્ષુંગ એરબેઝ પર વધુ ૪ J-20 વિમાનો પ્રોટેક્ટિવ કેનોપી કવર (રક્ષણાત્મક શેડ) નીચે પાર્ક થયેલા દેખાયા હતા. આ એરબેઝ અરુણાચલ પ્રદેશના તવાંગથી ઉત્તર-પશ્ચિમમાં આશરે ૩૪૪ કિમી દૂર છે. બે સપ્તાહમાં જ બંને લોકેશન પર મળીને કુલ ૧૨ જેટલા ફાઇટર જેટ કેમેરામાં કેદ થયા છે.