શહેરીજનોને પોલીસતંત્ર અંગે ઘણી સમસ્યાઓ છે પરંતુ ધારાસભ્યો અને સાંસદો તદ્દન લાપરવાહ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026  |   1287

શહેર પોલીસતંત્રને લગતી સમસ્યામાં શહેરીજનોને સૌથી વધુ કનડતી હોય તો તે ટ્રાફિકને લગતી છે આ ઉપરાંત શહેરમાં બેફામ દોડતાં ભારદારી વાહનો અને ગેરકાયદે પાણીનાં ટેન્કરોની પણ મોટી સમસ્યા છે પરંતુ શહેરીજનોનાં પ્રતિનિધિ તરીકે ધારાસભ્યો અને સાંસદને લોકોની સમસ્યાનાં નિરાકરણમાં રસ જ નહીં હોવાનું આજે જણાઇ આવ્યું હતું. પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં આજે માત્ર બે ધારાસભ્યો જ ઉપસ્થિત રહ્યાં હતાં જેનાં ઉપરથી પ્રજાનાં પ્રતિનિધિ હોવાનો દાવો કરતાં આ નેતાઓ પ્રજાની સમસ્યા અંગે કેટલી હદે લાપરવાહ છે તે સાબિત થઇ ગયું હતું.

પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં ચોર્યાસીનાં ધારાસભ્ય સંદિપ દેસાઇ અને ઉધના વિસ્તારનાં ધારાસભ્ય મનુ પટેલે(ફોગવા) જ હાજર રહીને વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. દિવસનાં સમયમાં માતેલા સાંઢને જેમ દોડતાં ભારદારી ડમ્પરો તેમજ પાણીનાં ટેન્કરો પોલીસનાં આશીર્વાદથી જ દોડી રહ્યાં છે. સંદિપ દેસાઇએ શહેરમાં દોડતાં ગેરકાયદે પાણીનાં ટેન્કરોનો મુદ્દો ઉઠાવ્યો હતો, ટેન્કરોમાંથી પાણી છલકાતું હોવાની તેમજ રસ્તાઓ તૂટી જવાની ફરિયાદ તેમણે કરી હતી. આ ઉપરાંત વીક-એન્ડમાં એટલે કે શનિવાર અને રવિવારે ડુમસ સી-ફેસ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ એકત્ર થતાં હોવાથી ભારે ટ્રાફિકજામ રહે છે આ ઉપરાંત એપીએમસી પાસે નવા બની રહેલાં બ્રિજને કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી બંને સ્થળે કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકવા જણાવ્યું હતું. સચિન જીઆઇડીસી ખાતે નવા પોલીસ મથક માટે ૩૦૦૦ ચો.મીટર જમીન ફાળવી દેવાઇ છે પરંતુ પોલીસ મથકનાં નિર્માણની પ્રક્રિયા કરવામાં નથી આવી તો તેની કાર્યવાહી ઝડપથ કરવા સંદિપ દેસાઇએ રજૂઆત કરી હતી. હજીરા-ઇચ્છાપોર વિસ્તારમાં ભારદારી વાહનોનું ગેરકાયદે પાર્કિંગ થતું હોવાથી રાત્રિનાં સમયે ફેટલ એક્સિડન્ટ થવાનો ભય રહે છે, સચિન સાતવલ્લા જીઆઇડીસી ચાર રસ્તા ખાતે પણ અકસ્માતનો ભય રહેતો હોવાથી ટ્રાફિક પોલીસની ડ્યૂટી લગાવવા તેમણે રજૂઆત કરી હતી. આ ઉપરાંત દયાળજી આશ્રમ પાસે લલનાઓનું દુષણ ફરી વધી ગયું હોવાથી ત્યાં કાયમીધોરણે પોલીસચોકી બનાવવાનું પણ સુચન કરવામાં આવ્યું હતું.

ઉધનાનાં ધારાસભ્ય મનુ પટેલે કૈલાસ ચોકડી પાસે ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો હોવાથી ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે રહેતું હોવાને કારણે ત્યાં સતત ટ્રાફિક પોલીસ હાજર રહે તે માટે રજૂઆત કરી હતી આ ઉપરાંત ઉધના ત્રણ રસ્તાથી ડિંડોલી સુધી ભારદારી વાહનોનું ગેરકાયદે પાર્કિંગ, નાગસેનનગરનાં નાકે પોલીસચોકીમાં અધિકારી અને પોલીસ સ્ટાફ ફાળવવા તથા પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિનાં સમયે પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution