લોકસત્તા વિશેષ : શહેરમાંં હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે નવા દર્દીઓને દાખલ થવા માટે જગ્યા નહીં હોવા છતાં હજારો બેડ ખાલી હોવાના તંત્રના દાવાથી શહેરજનો માટે ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. કોર્પોરેશનની વેબસાઈટ મુજબ આજે શહેરમાં ૩ હજાર બેડ ખાલી દેખાડવામાં આવી રહ્યા છે. જે પૈકી ગોત્રી હોસ્પિટલમાં પણ ૮૮ બેડ ખાલી હોવાનું દર્શાવાઈ રહ્યું છે. પરંતુ ગોત્રીમાં દાખલ થવા માટે ગઈકાલે રાત્રે લાઈનો લાગી હતી. કોરોના દર્દીઓને ૪-૪ કલાક બેસાડી રાખી પછી દાખલ કરવામાં આવે છે. શહેરમાં એક તરફ ખાનગી હોસ્પિટલોમાં જગા જ નથી ત્યાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ થવા માટે ભલામણ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર સોમવારે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થવા ગયેલા દર્દીઓને મોડી સાંજે લાઈનમાં લાગવું પડ્યું હતું. જેમાં પણ દાખલ કરવા માટે કોઈની ભલામણ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે એક તરફ તંત્ર ગોત્રી હોસ્પિટલમાં ૮૮ ખાલી બેડ સહિત શહેરમાં આશરે ૩ હજાર બેડ હજી ખાલી છે તેવો દાવો કરી રહ્યું છે ત્યારે બેડ ખાલી હોય તો પછી દર્દીઓને દાખલ કરવામાં લાઈન કેમ લગાડવી પડી તે મોટો પ્રશ્ન છે.

ગોત્રી હોસ્પિટલમાં અવ્યવસ્થાનો દર્દીના સગાનો આરોપ

સોમવારે મોડીરાત્રે ગોત્રી હોસ્પિટલમાં દાખલ એક મહિલાનું મોત નિપજતાં તેના સગાઓએ હોસ્પિટલની સારવાર પધ્ધતિ અને અંદરની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવી હોબાળો મચાવ્યો હતો. મૃતક મહિલાની પુત્રીએ હોબાળો મચાવી આક્ષેપ કર્યો હતો કે માતા દાખલ થયા પછી સતત કોઈ જાેતું નહી હોવાની ફરિયાદ કરતી રહી પરંતુ તેનું કોઈએ સાંભળ્યું નહીં. એટલું નહીં દર્દીને પીવાનું પાણી આપવા માટેની પણ અંદર કોઈ વ્યવસ્થા નહીં હોવાનો ગંભીર આક્ષેપ મૃતકના પરિવારજનોએ કરી ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ ન થવું જાેઈએ તેવો મત વ્યક્ત કરી ભારે હોબાળો મચાવ્યો હતો.