જર્જરિત ક્વાર્ટર્સ ખાલી કરવાની નોટિસથી ચિંતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   891

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સના જર્જરિત મકાનોનો પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે. આશરે ૬૩ વર્ષ જૂના આ મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં રહેતા પરિવારો ચોમાસા દરમિયાન જીવના જાેખમ વચ્ચે રહેવા મજબૂર હોવાનો રહીશોનો દાવો છે. દરમિયાન ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ક્વાર્ટર્સ ખાલી કરવા માટે રહીશોને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નોટિસમાં રહીશોને પોતાની રીતે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.એક તરફ જર્જરિત મકાનોને કારણે સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે, તો બીજી તરફ વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારો સામે અચાનક વૈકલ્પિક રહેઠાણનો પ્રશ્ન ઊભો થયો છે. રહીશોનું કહેવું છે કે તેઓ મકાનોના રિડેવલપમેન્ટ માટે તૈયાર છે અને આ માટે અગાઉથી જ જરૂરી પ્રક્રિયામાં સહકાર આપી ચૂક્યા છે. હવે રિડેવલપમેન્ટની પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી અસરગ્રસ્ત પરિવારોને ભાડું તથા અન્ય યોગ્ય લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં કુલ ૧૭ જેટલા બ્લોક આવેલા હોવાનું જણાવાયું છે. આ બ્લોકમાં આશરે ૪૪૦ મકાનો ઉપરાંત ૨૫૦ જેટલા ઝૂંપડાં આવેલા હોવાનું રહીશોનું કહેવું છે. વર્ષો જૂના આ બાંધકામોની હાલત જર્જરિત બની ગઈ છે. કેટલાક સ્થળે ગેલેરી તથા અન્ય ભાગોમાં નુકસાન થયું હોવાના કારણે રહીશોમાં સતત ભયનો માહોલ રહે છે.રહીશોનો દાવો છે કે અહીં આશરે ૫ હજારથી વધુ લોકો રહે છે. આ પરિવારોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં રહેતા હોવાથી ચોમાસા દરમિયાન મકાનની હાલતને લઈને ખાસ ચિંતા છે. આર્થિક મજબૂરીના કારણે અનેક પરિવારો જર્જરિત મકાનો ખાલી કરીને અન્ય સ્થળે રહેવાની સ્થિતિમાં નથી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જર્જરિત ક્વાર્ટર્સ ખાલી કરવાની નોટિસ અપાઈ હોવાનું સામે આવ્યા બાદ રહીશોની મુશ્કેલી વધી છે. મકાનો જાેખમી હોય તો સુરક્ષાના કારણોસર ખાલી કરાવવાની જરૂરિયાત રહીશો પણ સમજે છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વિના પરિવારોને મકાનો ખાલી કરવા જણાવવામાં આવે તો તેઓ ક્યાં જશે તે મોટો પ્રશ્ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. રહીશોની માંગ છે કે મકાનો ખાલી કરાવતાં પહેલાં દરેક પરિવાર માટે યોગ્ય વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે અથવા નિયમ મુજબ ભાડાની સહાય આપવામાં આવે. રિડેવલપમેન્ટ પૂર્ણ થાય ત્યાં સુધી પરિવારોને સુરક્ષિત રીતે રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ છે.

૬૦ ટકાથી વધુ રહીશોની નોટરાઈઝ સંમતિ

વિનોબાનગરના મકાનોના રિડેવલપમેન્ટ માટે રહીશોએ લાંબા સમયથી માંગણી કરી છે. રહીશો મુજબ રિડેવલપમેન્ટ માટે ૬૦ ટકાથી વધુ રહેવાસીઓની નોટરાઈઝ સંમતિ મેળવી લેવામાં આવી છે. આ સંમતિ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે.

રહીશોનો આક્ષેપ છે કે તા.૧૭ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના સંબંધિત અધિકારીઓને રિડેવલપમેન્ટ માટેની નોટરાઈઝ સંમતિ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ ઝોનના એસ્ટેટ ટી.ડી.ઓ. સહિતના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution