/
કોરોનાએ ક્રિકેટ...આ ટૂર્નામેન્ટને લાગ્યું 'ગ્રહણ'

નવીદિલ્હી 

કોવિડ-19 મહામારીએ રમતજગતને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. આ વર્ષે રમતની અનેક મોટી ટૂર્નામેન્ટ કાં તો રદ્દ કરી દેવામાં આવી છે અથવા તો તેને સ્થગિત કરી દેવાઈ છે. અમુક ટૂર્નામેન્ટને આવતાં વર્ષે રમાડવાનો નિર્ણય લેવાયો છે. આ ટૂર્નામેન્ટમાં ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ સહિતનો સમાવેશ થાય છે.

ટોકિયા ઓલિમ્પિક-2020

રમત જગતની સૌથી મોટી ઈવેન્ટ ઓલિમ્પિક ગેમ્સ જૂલાઈ 24થી 9 ઓગસ્ટ સુધી આ વર્ષે રમાવાની હતી પરંતુ કોવિડ-19ને પગલે તેને 2021 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે આ આયોજન 23 જૂલાઈથી 8 ઓગસ્ટ-2021માં થશે. 9 જૂલાઈએ ટોર્ચ ટોકિયો પહોંચશે. આ આયોજન સ્થગિત થવાને કારણે 2.8 બિલિયન પાઉન્ડનું નુકસાન ગયું છે.

યૂરો-2020

ફૂટબોલની દિગ્ગજ ટૂર્નામેન્ટ યૂરો 12 જૂન-2020માં રમાવાની હતી. જો કે હવે તે 21 જૂનથી 11 જૂલાઈ-2021 સુધી સ્થગિત કરાઈ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ ટીમે 2016માં ફ્રાન્સને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. કોવિડ-19માં ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં કોવિડના કેસ અત્યંત વધી જવાને કારણે આયોજન મોકુફ રકાયું છે.

વિમ્બ્લ્ડન-2020

ઓલિમ્પિક ગેમ્સ અને યૂરો-2020 સ્થગિત થઈ ગયા બાદ ઈંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબે 1 એપ્રિલ-2020ના વિમ્બ્લ્ડનને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયે સૌને ચોંકાવી દીધા હતા કેમ કે દરેક રમતપ્રેમી આશા સેવી રહ્યો હતો કે તેને સ્થગિત કરીને આગળની તારીખ પર રમાડવામાં અવશે. જો કે આયોજકોએ કહ્યું હતું કે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ટૂર્નામેન્ટને રદ કરાઈ છે.

યૂરોપિયન લીગ

ફૂટબોલની દુનિયાને કોવિડે સૌથી વધુ અસર કરી છે. અનેક યુરોપિયન લીગ સ્થગિત કરવી પડી હતી. માર્ચના અંતમાં ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં કોવિડના કેસ વધવાને કારણે યુરોપિયન ફૂટબોલ લીગને મોટો ઝટકો લાગ્યો હતો. જર્મનીની બુંદેસ્લીગા પહેલી મોટી લીગ હતી જેને બીજી વખત શેડ્યુલ કરાઈ છે. સ્પેન, ઈંગ્લેન્ડ અને ઈટાલીએ સીઝનને જૂન સુધી સ્થગિત કરી છે જ્યારે ફ્રાન્સ લીગ રદ્દ કરાઈ છે.

ટી-20 વર્લ્ડકપ

આ મહામારીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને પણ મુશ્કેલીમાં મુકી દીધી છે અને કોરોનાને કારણે ટી-20 વર્લ્ડકપને 2021 સુધી સ્થગિત કરાયો છે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર-2020માં ઓસ્ટ્રેલિયામાં રમાવાની હત પરંતુ આઈસીસીએ તેને હવે ઓક્ટોબર-નવેમ્બર 2021માં રમાડવાનો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટનો ફાઈનલ 14 નવેમ્બરે રમાશે.

આઈપીએલ-2020

29 માર્ચ-2020થી આઈપીએલ રમાવાનો હતો પરંતુ મહામારીને પગલે દેશમાં લોકડાઉન થઈ ગયું હતું. પહેલાં તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરાયો હતો પરંતુ કોરોના કેસ વધતાં તેને આગલો આદેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરી દેવાઈ હતી. બાદમાં આ ટૂર્નામેન્ટ યુએઈમાં 19 સપ્ટેમ્બરથી દર્શકો વગર રમાડવામાં આવી હતી. 10 નવેમ્બરે ફાઈનલ રમાયો જેમાં મુંબઈ દિલ્હીને હરાવી ચેમ્પિયન બની હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution