નવી દિલ્હી

ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. આગામી વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેવા સમયે તે પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. શિવરામકૃષ્ણન બીજેપીના રાષ્ટ્રીય સચિવ સીટી રવી અને તમિલનાડુના ભાજપા અધ્યક્ષ એલ મુરુગનની ઉપસ્થિતિમાં ચેન્નઈમાં પાર્ટીમાં સામેલ થયા હતા.

17 વર્ષની ઉંમરે લક્ષ્મણ શિવરામકૃષ્ણને વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ભારત તરફથી 9 ટેસ્ટમાં 26 અને 16 વન-ડેમાં 15 વિકેટ ઝડપી છે. જોકે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ફક્ત ચાર વર્ષ ચાલી હતી. ફર્સ્ટ ક્લાસમાં તેમણે 76 મેચમાં 154 વિકેટ ઝડપી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે ભારતના સફળ ક્રિકેટ કોમેન્ટેટર બન્યા છે. 

આ પહેલા એવી અટકળો હતી કે પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપામાં સામેલ થઈ શકે છે. જોકે આ વિશે હજુ સુધી કોઈ પૃષ્ટિ થઈ નથી. હાલમાં જ ગાંગુલીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેની રાજભવનમાં મુલાકાત કરી હતી. ત્યારે તેણે બધાને આશ્રર્યમાં મુકી દીધા હતા. દોઢ કલાકની મુલાકાત પછી ગાંગુલીએ મીડિયાને કહ્યું હતું કે હા, હું માનનીય રાજ્યપાલને મળ્યો હતો. આ એક શિષ્ટાચાર મુલાકાત હતી. તે ક્યારેય ઇડન ગાર્ડન્સ ગયા નથી તેથી મેં તેમને આગામી સપ્તાહે ઇડન ગાર્ડન્સ લઈ જવાનો નિર્ણય કર્યો છે. ગાંગુલીએ હસીને કહ્યું હતું કે કૃપા કરી કોઈપણ અંદાજો ના લગાવો. 

જોકે રાજનીતિના વિશેષજ્ઞોના મતે રાજ્યપાલ સાથે દોઢ કલાકની મુલાકાત ફક્ત શિષ્ટાચાર મુલાકાત હોઈ શકે નહીં.