અમદાવાદ-

રસી આપવા માટે લાભાર્થીઓના મોડ્યુલ તૈયાર કરી દેવાયા છે. આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રસીનો ડોઝ અઠ્યાવીસ દિવસમાં બે વખત 14 દિવસના અંતરે લેવાનો રહેશે. રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં માસ્ક પહેરવો, સેનિટાઈઝરોનો ઉપયોગ તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનુ રહેશે.

આ રસીકરણ માટે રાજયમાં 16 હજાર વેકસીનેટરને તાલીમબધ્ધ કરી દેવાયા છે. એક સેન્ટર પરથી એક દિવસમાં 100 લોકોને રસી અપાશે. રોજના 16 લાખ લોકોને રસી આપી શકાય એવું આયોજન કરાયું છે. ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં તથા રાજકોટ શહેર અને જિલ્લામાં ડ્રાય રન યોજાઈ રહ્યું છે. આ બંને જિલ્લાઓમાં વેક્સિનેશન માટે 19 સેશન સાઇટ નક્કી કરવામાં આવી છે. ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગની પ્રક્રિયા વચ્ચેના જોડાણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં રસીકરણના વાસ્તવિક અમલીકરણ પહેલા પડકારો અને ઉપાયો વિશે પણ અભ્યાસ થઈ શકે તેવો હેતુ છે. ડ્રાય રન માટે દરેક સેશન સાઇટ માટે 25 લાભાર્થીઓ મળીને કુલ 475 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. દરેક સેશન સાઇટ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ ઉપરાંત UNDP, યુનિસેફ અને WHO દ્વારા મોનીટરીંગ કરાઈ રહ્યું છે. આ ટ્રાયલ દરમિયાન ફીડબેક તૈયાર કરવામાં આવશે અને આ ફીડબેક ભારત સરકારને પહોંચાડવામાં આવશે.