દિલ્હી-

કોરોના વાયરસ અંગે એક આશ્ચર્યજનક માહિતી બહાર આવી છે. કોરોના વાયરસ ક્યાંથી આવ્યો તે પ્રશ્નના જવાબ કદાચ ટૂંક સમયમાં મળી જશે. એક ગુપ્ત અહેવાલમાં ખુલાસો થયો છે કે ચીનના એક મોટા અધિકારી અમેરિકા માટે કામ કરી રહ્યા છે. આ અધિકારીએ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી સાથે સંબંધિત ગુપ્ત માહિતી પણ યુ.એસ.ને સોંપી છે. એક ખુફિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનના નાયબ રાજ્ય સુરક્ષા મંત્રી ડોંગ જિંગવેઇ કથિત રીતે યુ.એસ. ગયા છે અને ત્યાં વુહાન લેબને લગતી ગુપ્ત માહિતી આપી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોંગ જિંગવેઇ 10 ફેબ્રુઆરીએ પુત્રી ડોંગ યાંગ સાથે અમેરિકા ભાગી ગયા હતા. ડેઇલી મેઈલે સ્પાય ટોકના અહેવાલને ટાંકીને કહ્યું છે કે, ડોંગની એપ્રિલ 2018માં નાયબ પ્રધાન પદ પર નિમણૂક કરવામાં આવી હતી. તે કાઉન્ટર-ઇન્ટેલિજન્સ ના વડા રહી ચૂક્યા છે. તે ગુઓનબુ તરીકે જાણીતા છે. જો આ અહેવાલો સાચા છે, તો ચીનના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે, જ્યારે કોઈ અધિકારીએ આવી હિંમત દર્શાવી હોય. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે, તેણે યુએસ અધિકારીઓને વુહાન લેબ વિશે માહિતગાર કર્યા છે. જ્યાંથી કોવિડ -19 લીક થયો હોવાની વાત કહેવામાં આવી રહી છે.

ચીને ડોંગને પરત લાવવા માટે અધિકારીઓને મોકલ્યા હતા

આ સમાચાર પછી, વુહાન લેબ લિક થિયરીના દાવાઓને વધુ મજબુતી મળી રહી છે. ડોંગની ઘણી તસવીરો પણ ઓનલાઈન વાયરલ થઈ રહી છે. એક તસવીર ચીનના વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારી ડોક્ટર હાન લિયાનચાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, બિજિંગે માર્ચ મહિનામાં કેટલાક અધિકારીઓને અમેરિકી વિદેશ સચિવ એન્ટોની બ્લિંકનને મળવા મોકલ્યા હતા. જેથી ડોંગને ચીનના હવાલે કરી શકાય. હાનનો દાવો છે કે ડોંગ છેલ્લે સપ્ટેમ્બર 2020માં જાહેરમાં જોવા મળ્યા હતા. જો કે, તેમના દાવાઓમાં કેટલી સત્યતા છે તેના પર કશું કહી શકાય નહીં.