લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2026 |
2079
સુરત શહેર પોલીસબેડામાં ફરજ બજાવતાં ડીસીપી રાજદીપસિંહ નકુમ કાજે સરકારને ફરી એકવાર ફટકાર સાંભળવાની ફરજ પડી હતી. આરોપીઓને જાહેરમાં ફટકારનાર નકુમની હજુ સુધી બદલી કેમ નથી કરી, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે ડીસીપી નકુમની સુરત શહેરમાંથી બદલી થવી જ જાેઇએ તેવી સ્પષ્ટ ટકોર હાઇકોર્ટે આજે કરી હતી. હત્યાનો પ્રયાસ કરવાનાં ગુનામાં પકડાયેલાં લબરમુછિયા જેવા આરોપીઓને જાહેરમાં ફટકારવાનાં પ્રકરણમાં થયેલી અરજીનું સ્યુઓમોટો કોગ્નિજન્સ લઇને સુનાવણી હાથ ધરનાર હાઇકોર્ટે ડીપીસી નકુમની બદલી કરવાનાં મુદ્દે મક્કમ વલણ અપનાવ્યું હતું.
માનદરવાજા રેલ રાહત કોલોનીમાં ગત ૧૩મી જુલાઇની રાત્રે અંગત અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો હતો. હુમલો કરનારા ચીયા ગેંગના સાગરિતો હતા. રાજ ઉર્ફે ગુડ્ડ પારઘેને ચાકુનો ઘા ઝીંકનાર ચીયા ગેંગનાં અય્યાજ ઉર્ફે બુરૂ મલેક, ઇમરાન ખાન, રાજીક ઉર્ફે કાલીયા શેખ, શાહરૂખ ઉર્ફે અમુ સત્તાર શા, વસીમ ઉર્ફે ટ્વેન્ટી, સજ્જુ, ક્રિષ્ના વિગેરને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. એ સમયે ત્યાંનાં ઇન્ચાર્જ ડીસીપી નકુમે એસઓજીનાં પચાસ કર્મચારીઓને માનદરવાજા બોલાવ્યા હતા. એસઓજીનો આ કાફલો ચીયા ગેંગનાં સાગરિતોને રેલરાહત કોલોનીમાં લઇ ગયો અને પછી નકુમે સારા વીડિયો બને એવા એંગલ સેટ કરી આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. બાદમાં આ વીડિયો વાયરલ પણ કર્યા હતાં. આ મામલે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને સુઓમોટો કાર્યવાહી માટે અરજી આપી હતી. હાઇકોર્ટે પણ અરજીનું કોગ્નિજન્સ લઇને સુનાવણી હાથ ધરી હતી.
આજે સુનાવણીમાં આરોપીઓ તરફે ઉપસ્થિત વકિલે રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકનાં ૧૨-૦૫-૨૦૨૬નાં પરિપત્રને ટાંકીને કહ્યું હતું કે, હાઇકોર્ટનાં અગાઉનાં ચૂકાદાઓનાં સંદર્ભનો ઉલ્લેખ કરીને પોલીસ મહાનિર્દેશકે આરોપીઓને હાથકડી પહેરાવવી, દોરડાથી બાંધવા, સરઘસ કાઢવા, જાહેરમાં ઉઠકબેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવા, લાત મારવી, લાકડીથી માર મારવા જેવી કાર્યપદ્ધતિ યોગ્ય નહીં હોવાનું અને માનવઅધિકારનું ઉલ્લંઘન હોવાનું પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો. આરોપીનાં માનવઅધિકારનાં હક્કો વિરૂદ્ધ કામ કરનાર પોલીસ અધિકારી કે કર્મચારી વિરૂદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે અને તેનાં ચૂસ્ત પાલનની જવાબદારી ડીવાયએસપી, ડીસીપી, એડિશનલ પોલીસ કમિશનર, જાેઇન્ટ પોલીસ કમિશનર તેમજ પોલીસ કમિશનરની રહેશે.
હાઇકોર્ટે પણ ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, જાહેરમાં માર મારવાનો વિડીયો વાયરલ થયો છે, બનાવ બન્યો છે તે નકારી શકાય તેમ નથી. આ તબક્કે સરકાર તરફે ઉપસ્થિત એડવોકેટે બચાવ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ મહાનિર્દેશકનાં ધ્યાને આવતાં તેમણે બનાવનાં બીજા જ દિવસે પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને કહ્યું હતું. પોલીસ કમિશનરે પણ એડિશનલ પોલીસ કમિશનરને પ્રાથમિક તપાસ સોંપી છે. આ તબક્કે હાઇકોર્ટે કહ્યું કે, પ્રાથમિક તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્રપણે થાય તે માટે ડીસીપી નકુમની સુરતમાંથી બદલી તો થવી જ જાેઇએ. સાક્ષીઓ, પોલીસ કર્મચારીઓ તેમના તાબા હેઠળ હોય તો સ્વતંત્રતાથી નિવેદન કેવી રીતે આપી શકે. નકુમ સુરત શહેરમાં ફરજ બજાવે તે બીલકુલ સ્વીકાર્ય નથી, તેમની બદલી તો થવી જ જાેઇએ.
જાહેરમાં માર મારવાનો બનાવ બન્યો છે, લોકોએ પણ જાેયું છે, બનાવ કેમ બન્યો, તેની ગંભીરતા કેટલી છે વિગેરે બાબતો પ્રાથમિક તપાસમાં બહાર આવશે પરંતુ બનાવ બન્યો છે તે નકારી શકાય તેમ નથી જેથી ડીસીપી નકુમની અન્યત્ર બદલી કરો તો સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થઇ શકે તેમ જણાવીને હાઇકોર્ટે ફરી એકવાર નકુમની બદલીનો આગ્રહ સેવ્યો હતો. આગામી સુનાવણી પહેલાં બદલી થવાની સંભાવના સેવાય છે.