લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026 |
1980
નિસરાયા ગ્રામ પંચાયત ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામના મહિલા સરપંચ સ્મિતાબેન રાજ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ગામના અરજદાર વિજયકુમાર કે. કાપડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાયેલી છ મુદ્દાની અરજી બાદ સમગ્ર મામલે થયેલી તપાસમાં તમામ આક્ષેપો સાચા ઠર્યા હોવાનું તપાસ અહેવાલમાં નોંધાયું હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે મહિલા સરપંચ સામે પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે કે નહીં તે અંગે સૌની નજર જિલ્લા વિકાસ અધિકારીના ર્નિણય પર ટકેલી છે.
રિપોર્ટમાં કેટલાંય આરોપો સાબિત થયા
અરજી મુજબ મહિલા સરપંચ સ્મિતાબેન રાજ તથા તલાટી-કમ-મંત્રી દ્વારા ગામના વિકાસના નામે કોઈપણ પ્રકારની જરૂરી પૂર્વ મંજૂરી લીધા વિના ગામના મુખ્ય તળાવમાં અંદાજે ૨૦ ગૂંઠા જેટલું પૂરાણ કરવામાં આવ્યું હતું. આ જમીન ઉપર દાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે “મેકદાદા”નું સ્ટેચ્યુ તથા અન્ય બાંધકામ ઉભું કરવામાં આવ્યું હોવાનું આક્ષેપમાં જણાવાયું હતું.
તપાસ દરમિયાન પણ તળાવ પૂરાણ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં નોંધાયું છે. આ ઉપરાંત વર્ષો જૂની પ્રાથમિક શાળાની જગ્યા, જે પાછળથી સમગ્ર ગામની વાડી માટે પંચાયત હસ્તક રાખવાના ઠરાવ સાથે સંકળાયેલી હોવાનું જણાવાય છે, ત્યાં આવેલો જૂનો હોલ પણ કોઈપણ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી વિના તોડી પાડીને તેની જગ્યાએ નવો હોલ બનાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પંચાયતના નિયમો મુજબ કોઈપણ સરકારી મિલકત પર આવેલ હયાત બાંધકામ તોડતા પહેલાં ઉચ્ચ કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. એટલું જ નહીં, જૂના બાંધકામમાંથી નીકળતા કાટમાળની જાહેર હરાજી કરીને તેની આવક પંચાયતના ખાતામાં જમા કરાવવાની હોય છે. પરંતુ અરજી મુજબ આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. તપાસમાં પણ જૂના હોલને તોડવા માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું તેમજ કાટમાળની જાહેર હરાજી ન કરાઈ હોવાનું સામે આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જાેકે સમગ્ર ઘટનાક્રમમાં હવે બોરસદ તાલુકા વિકાસ અધિકારી સતીશ પટેલની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. કારણ કે વિસ્તરણ અધિકારીનો સ્પષ્ટ તપાસ અહેવાલ મળ્યા બાદ મહિલા સરપંચ સામે સીધી કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલવાને બદલે તાલુકા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી અને સાત દિવસમાં ખુલાસો માંગ્યો હતો.