લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026 |
2079
ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર આવેલ મેનપુરા ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રોડ સાઇડમાં આવેલા ખેતરના એક ઝાડ પર એક પુરુષનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકોના ટોળેટોળા બનાવ વાળી જગ્યા પર એકઠા થઈ ગયા હતા. લોકોના ટોળામાંથી કોઈ જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક આ બાબતે સ્થાનિક સેવાલિયા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બનાવની માહિતી મળતા જ સેવાલિયા પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતદેહ નજીકમાંથી એક થેલી મળી આવી હતી. પોલીસ દ્વારા આ થેલીની તલાશી લેવામાં આવતા તેમાંથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું.
આ મળેલા ઓળખપત્રના આધારે મૃતકની સાચી ઓળખ શક્ય બની હતી.પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મૃતક પંચમહાલ જિલ્લાના ધારાપુરા ગામના વતની બારીયા બુધાભાઈ હોવાનું ખૂલવા પામ્યું છે. ઓળખ છતી થયા બાદ પોલીસે મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સેવાલિયા પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે જુદા જુદા પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.