વડોદરા : વડોદરા શહેરના લાલબાગ રોડ સ્થિત કાશી વિશ્વનાથ મંદિર નજીક એસ.ટી. બસની ટક્કરે આધેડને ઇજાઓ થતા તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. નવાપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થલે દોડી આવ્યો હતો. બનાવ સ્થળે ઉભેલી એસ.ટી. બસના ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, શહેરના લાલબાગ કાશી વિશ્વનાથ મંદિર વાળા રોડ પરથી એસ.ટી. બસ સુરતથી મોડાસા તરફ જતી હતી. એસ.ટી. બસનો ચાલક મુસાફરોને લઇને સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે પહોંચવા માટે એસ.ટી. બસને લઇને લાલબાગ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. તે વખતે કાશી વિશ્વનાથ મંદિર નજીક એક હિતેશભાઇ રાણા રહેવાસી ગણેશનગર - ૧ તુલસી વાડીના શખ્સ એકાએક રોડ ડીવાઇડર કુદીને બસની સામે ગયા હતાં. એસ.ટી.બસનો ચાલક બસની બ્રેક મારે એ પહેલાંજ બસની જાેરદાર ટક્કર હિતેશ રાણાને વાગી હતી. જેના કારણે તેઓ રોડ પર પછડાયા હતાં. અને શારિરીક ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવને પગલે એસ.ટી.બસના ચાલકે બસને ઘટના સ્થળે ઉભી રાખી હતી. અકસ્માતના બનાવને કારણે આ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અફરા તફરીના દ્રશ્યો સર્જાયા હતાં.

અકસ્માતના બનાવની જાણ નવાપુરા પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને એસ.ટી.બસના ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી એસ.ટી.બસને કબજે કરી હતી. ઇજાગ્રસ્ત હિતેશ રાણાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નવાપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.