વડોદરા,તા.૨૬  

પાલિકાની મુખ્ય કચેરીની સામેના જ વિસ્તારમાં શાસકો અને તંત્રની નજર સામેની જગ્યાએ જ દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. એમાં ખંડેરાવ માર્કેટ સામે ખાડિયા પોળમાં દુષિત અને ઓછા દબાણના પાણીને લઈને પીડિત મહિલાઓ દ્વારા પાલિકાના તંત્ર સામે દેખાવો યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ખંડેરાવ માર્કેટ સામે ખાડીયાપોળ નંબર-૧,૨, હાથીપોળ,પુનિત પોળ તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં પીવાનું પાણી ગંદુ તેમજ ઓછા પ્રેશરથી આવે છે. જેના કારણે વિસ્તારના તમામ રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. હાલ શ્રાવણનો પવિત્ર મહિનો ચાલતો હોય લોકોને ગંદુ પાણી આપવામાં આવે તે ખૂબ જ નિંદનીય બાબત છે.આને કારણે પ્રજાની ધાર્મિક લાગણી દુભાય તેમ છે. જેથી આવી ગંભીર સમસ્યાનો ઝડપથી નિકાલ કરવામાં આવે તો સારું, નહિતર આ વિસ્તારમાં ગંદા પાણીના લીધે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેમ છે. આ ગંભીર બાબત પર ધ્યાન આપી વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવી સ્થાનિક રહીશોને શુધ્ધ અને ચોખ્ખું પીવાલાયક પાણી મળી રહે તેમજ પુરતા પ્રેશરથી વપરાશ પુરતુ પાણી આપવામાં આવે તેવી રહિશો દ્વારા માંગણી કરવામાં આવી છે. જો આ માંગણી પર વ્હેલી તકે કામગીરી નહિ કરવામાં નહિ આવે તો ના છુટકે વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી પાલિકાના વહીવટી વોર્ડ નંબર પાંચ અને ઈલેક્શન વોર્ડ નંબર ૧૩ના કાઉન્સિલર બાળુ સુર્વેએ ઉચ્ચારી છે.