/
ધર્મજે તા.૩૦ સપ્ટે. સુધી ૧૫ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે!

આણંદ : વિશ્વ આખું કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાઇરસને વધતો અટકાવવા જાત જાતની કોશિશો ચાલી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનતી લઈને છેક નાના ગામોની પંચાયતો દ્વારા પ્રયત્નો થઈ રહ્યાં છે. ચરોતરના એનઆરઆઇ ગામ ગણાતાં ધર્મજે પણ આમાં પહેલ કરી છે. ગામમાં વધતાં જતાં કોરોના વાઇરસના સંક્રમણને કંટ્રોલમાં કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા બપોરે બાર વાગ્યા બાદ ગામમાં સંપૂર્ણ લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. જેને કારણે સવારે ૯ થી ૧૨ દરમિયાન દુકાનો ખુલ્લી રહેશે અને ૧૨ વાગ્યા બાદ લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે. ધર્મજ ગામમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતાં ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં કોરોના વાઇરસ સામે નાગરિકોની સુરક્ષાને લઈને સરપંચ બાબુભાઈ ડાહ્યાભાઈ રોહિત અને ઉપસરપંચ તુષારભાઈ બાબુભાઈ પટેલ દ્વારા ગામમાં લોકડાઉનઅ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આ રીતે સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા લેવામાં આવ્યો હોય તેવી પહેલી ઘટના હશે. આટલું જ નહીં, આ નિર્ણય અંતર્ગત ગામમાં ઘરની બહાર નીકળતાં દરેક નાગરિકે ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. તેમજ ગામમાં, ફળિયામાં, ટાવર ચોકમાં, ભાથીજી જેવાં જાહેર સ્થળોએ ટોળે વળી બેસી શકાશે નહીં. લોકડાઉન દરમિયાન કોઈએ કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં. તેમજ આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી ૧૫ દિવસ માટે ગામમાં સંપૂર્ણપણે લોકડાઉન રહેશે. અનાજ, કરીયાણા, દૂધ અને શાકભાજીની દુકાનો માત્ર સવારે ૯થી ૧૨ દરમિયાન ખોલી શકાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution