/
અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના ૬ નેતા પર શિસ્તનો કોરડો

આણંદ : આણંદ જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે એ વખતે જ ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર છ બળવાખોર હોદેદારો વિરુદ્ધ શિસ્તનો કોરડો વિંઝીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે. મજાની વાત તો એ છે કે, ૧૮મી તારીખે લેવાયેલા ર્નિણયની ૨૦મી તારીખે જાહેરાત કરવામાં આવી છે!

સૂત્રોના જણાવ્યાં મુજબ, ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે ચોક્કસ માપદંડ નક્કી કરતાં અનેક હોદેદારોની ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. આવાં કેટલાંક કાર્યકરોએ પાર્ટીના ર્નિણયને અવગણી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. આણંદ જિલ્લા ભાજપે શિસ્તભંગની કાર્યવાહીના ભાગ રૂપે અપક્ષ ઉમેદવારી કરનાર આણંદ શહેર ઉપપ્રમુખ શંકરભાઈ ઉમેદભાઈ ગોહેલે અને પૂર્વ કાઉન્સિલર અનવરભાઈ વ્હોરાને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત પેટલાદ શહેરમાં પૂર્વ કાઉન્સિલર દિપાલીબેન હિતેશભાઈ શાહ, જૈમીનીબેન પટેલને પણ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પેટલાદ તાલુકાના અ.જા. મોરચાના મહામંત્રી સમીરભાઈ પરમારે પણ અપક્ષમાંથી ઉમેદવારી કરતાં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ દ્વારા વોર્ડ નંબર-૧માં પ્રથમ યાદીમાં એક જ પરિવારના બે સભ્યો પૂર્વ કાઉન્સિલર મેહુલભાઈ વિનુભાઈ પટેલને અને તેમનાં ભાભી મોનાબેન ભાવિનભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. આ બાબતે હોબાળો મચતાં જિલ્લા ભાજપ દ્વારા મહુલભાઈ પટેલને બાદ કરી ઈશ્વરભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા, જેથી નારાજ મેહુલભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

બળવાખોરોને સસ્પેન્ડ કરવાનો ર્નિણય ૧૮મી તારીખે જ લઈ લેવાયો હતો. જાેકે, કોઈક કારણોસર બે દિવસ પૂર્વે લેવાયેલાં ર્નિણયની આજે જાહેરાત કરાતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીએ આણંદ જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયત અને ૬ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution