વડોદરા, તા.૪

વિશ્વની મોટામાં મોટી અને દેશની સૌથી ધનાઢ્ય પાર્ટી ભાજપે જિલ્લા ભાજપ કાર્યાલય માટે કપુરાઈ ખાતે જમીન ખરીદી કબજાે લઈ લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપા સામે ચૂંટણી લડેલા કરજણ કોંગ્રેસના અગ્રણી અને ગત વિધાનસભાના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા અને અન્ય વિવાદાસ્પદ કાર્યકરની મધ્યસ્થીને કારણે આ જમીનનો સોદો થયો હોવાથી હવે બંનેને ભાજપામાં પ્રવેશ નિશ્ચિત મનાય છે. ત્યારે ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે.

કપુરાઈ ચાર રસ્તા નજીક ૧૧ હજાર સ્કે. ફૂટની જમીન ઉપર ભવ્ય જિલ્લા ભાજપ કાર્યાલય આકાર લેશે. હાલમાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલયની જમીન જાેવા માટે સંભવિત સ્થળોની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ જિલ્લા ભાજપ કાર્યાલયની જમીન પસંદ પડતાં આ સોદો ફાઈનલ કરાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા ત્યારે થોડા સમય માટે હાઈવે ઉપર જિલ્લા કાર્યાલય માટે જમીન જાેવા રોકાયા હતા, એ સમયે કરજણ કોંગ્રેસ અગ્રણી અને સ્વિટી પટેલ મર્ડર કેસના આરોપી કિરીટસિંહ જાડેજાની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને કાંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા જિલ્લા રાજકારણમાં ઊઠી હતી.

કિરીટસિંહ જાડેજા અને એમના ખાસ મનાતા અમિત પંડયા નામના કોંગ્રેસના કાર્યકરની મનાતી આ ૧૧ હજાર ચો.ફૂટ જમીનનો કબજાે એક સાદા કાર્યક્રમમાં વિધિવત્‌ રીતે ભાજપ અગ્રણીઓની હાજરીમાં સોંપાયો હતો. આ કાર્યક્રમમાં મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ હાજર રહ્યા હતા. જેને લઈને જિલ્લા ભાજપમાં અનેક અટકળો શરૂ થઈ છે. જમીનના સોદામાં કરજણ કોંગ્રેસના અગ્રણી અને ગત વિધાનસભાના ઉમેદવાર કિરીટસિંહની ખાસ ભૂમિકાને પગલે હવે જાડેજાનો ભાજપ પ્રવેશ નિશ્ચિત મનાય છે, એના માટે એક ગુપ્ત સોદો પણ થયો હોવાની ચર્ચાએ જાેર પકડયું છે.

અગાઉ જિલ્લા ભાજપ કાર્યાલય ભાડાના મકાનમાં પ્રથમ કોઠીના ઢાળ ઉપર હતું, જ્યાં જગ્યા નાની હતી અને પાર્કિંગનો પણ પ્રશ્ન હતો. જેને લઈ એક વર્ષ અગાઉ સમા-સાવલી રોડ ઉપર એક મોલમાં ત્રીજા માળે ખસેડાયું હતું પરંતુ એ પણ હંગામી હોવાથી હવે કપુરાઈ પાસે ૧૧ હજાર સ્કે.ફૂટ જગ્યામાં વિશાળ કાર્યાલય ઊભું કરવામાં આવશે એમ રાજકીય સૂત્રોએ જણાવ્યું છે.

સ્વિટી પટેલ મર્ડરકેસમાં જાડેજાને ક્લીનચિટ અપાશે?

રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનાર સ્વિટી પટેલ મર્ડર કેસમાં પીઆઈ પતિ અજય દેસાઈ સાથે કિરીટસિંહ જાડેજા પણ આરોપી હતો. એમની દહેજ નજીકની હોટલમાં સ્વિટી પટેલના મૃતદેહને સળગાવાયો હતો. આ હત્યાના મામલામાં હાલમાં જ કિરીટસિંહ જાડેજા જામીન ઉપર છૂટીને બહાર આવ્યો છે ત્યારે ભાજપ સાથે જમીનના સોદા ઉપરાંત સ્વિટી હત્યાકેસમાં ક્લીનચિટ અપાવવાનું વચન પણ અપાયું હોવાનું કહેવાય છે.