13, ઓગ્સ્ટ 2025
જેસલમેર |
2772 |
રાજસ્થાન CIDએ જેસલમેરના ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પાસે આવેલા DRDOના ગેસ્ટ હાઉસમાંથી ધરપકડ કરી
સંરક્ષણ સંશોધન અને વિકાસ ડીઆરડીઓના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે જેસલમેરના ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પાસે આવેલા DRDOના ગેસ્ટ હાઉસમાંથી મેનેજરની ધરપકડ કરી. મોબાઈલની તપાસ બાદ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મહેન્દ્ર પ્રસાદ સામે આરોપ છે કે, તે ISI માટે જાસૂસી કરતો હતો અને ગુપ્ત જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. 32 વર્ષનો મહેન્દ્ર પ્રસાદ, મૂળ ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના પલ્યુન ગામનો રહેવાસી છે. તે DRDOના ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તેના પર ભારતની ગુપ્ત અને વ્યૂહાત્મક જાણકારી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. તે DRDOના ગેસ્ટ હાઉસમાં કરાર આધારિત કર્મચારી હતો.
સ્વતંત્રતા દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમો પહેલા, CID ઇન્ટેલિજન્સ સંભવિત રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. એવામાં જ્યારે રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે પોતાની દેખરેખ વધારી ત્યારે તેની આ ગતિવિધિ પકડાઈ હતી. જાણવા મળ્યું કે તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતો.
મહેન્દ્ર પ્રસાદ કથિત રીતે DRDOના વૈજ્ઞાનિકો અને ભારતીય સેનાના અધિકારીઓની ગતિવિધિઓ વિશેની સંવેદનશીલ માહિતી, તેમજ મિસાઇલો અને હથિયારોનું પરીક્ષણ જ્યાં થાય છે તે ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ આવતા-જતા અધિકારીઓની દરેક ગતિવિધિ પર તેની નજર હતી. આ માહિતી તે પાકિસ્તાની હેન્ડલર્સ સુધી પહોંચાડી રહ્યો હતો, જે ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.