૨૦ મિનિટમાં ૭ ધડાકાથી દુબઈ ધ્રૂજ્યું 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ઓગ્સ્ટ 2026  |   7425

એક તરફ ઓમાન અને ઈરાન વચ્ચે ખાડીમાં સ્થિતિ સામાન્ય કરવા માટે વાતચીત ચાલી રહી છે. હોર્મુઝને લઈને સમજૂતીની વાત વચ્ચે સંયુક્ત આરબ અમીરાતનું દુબઈ શહેર ફરી નિશાન પર આવ્યું છે. અહીં બુધવારે વહેલી સવારે અફરાતફરી મચી ગઈ હતી, જુબેલ અલી ઔદ્યોગિક વિસ્તારમાં સતત અનેક જાેરદાર ધડાકા થયા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં આકાશમાં ધુમાડાના મોટા-મોટા ગોટેગોટા ઉઠતા જાેવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો. ઈરાનની સરકારી સમાચાર એજન્સી મેહરના જણાવ્યા અનુસાર, અમીરાતી અધિકારીઓએ દાવો કર્યો કે લગભગ ૨૦ મિનિટમાં ઓછામાં ઓછા ૭ ધડાકા થયા હતા. 

જાેકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ વિસ્ફોટોનું કારણ શું હતું અને સત્તાવાર રીતે પણ તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. ધડાકા જાબેલ અલી પોર્ટ અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં થયા હતા, જે UAEનું એક મહત્વપૂર્ણ બંદર અને ઈંધણ વિતરણ કેન્દ્ર માનવામાં આવે છે. આ ઉપરાંત તેને લોજિસ્ટિક્સ હબ પણ કહેવામાં આવે છે. સદનસીબે, અત્યાર સુધી કોઈના ઘાયલ થવાની કે મોટા નુકસાનની માહિતી સામે આવી નથી. ઘટના બાદ સોશિયલ મીડિયા પર ધડાકા અને આગના વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર, અમીરાતી અધિકારીઓએ ઘટનાનો વીડિયો બનાવનારા ૨ લોકોને કસ્ટડીમાં લીધા છે.

મેહર સમાચાર એજન્સીએ દાવો કર્યો કે આ ધડાકા યમનથી છોડવામાં આવેલી મિસાઇલોને કારણે થયા હતા. જ્યારે અમીરાતના સ્થાનિક મીડિયાએ માત્ર એટલું જ કહ્યું કે અનેક ધડાકાના અવાજાે સંભળાયા હતા, પરંતુ મિસાઇલ હુમલો થયો હોવાની કે અન્ય કોઈ કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ દરમિયાન, નાસાની થર્મલ ઇમેજરીનો હવાલો આપીને સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે જાબેલ અલી પોર્ટ પાસે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉનનો ઉપયોગ ઈંધણના સંગ્રહ અને સ્થળાંતર માટે કરવામાં આવે છે. તેનાથી સંકેત મળે છે કે ધડાકા બાદ વિસ્તારમાં મોટી આગ લાગી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution